રેસકોર્સના મેદાનમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન લોકમેળો યોજાયો હતો. આ પાંચ દિવસના લોકમેળા દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા તા.14થી 18 દરમિયાનમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધરી વિવિધ સ્ટોલમાં પેકડ, લૂઝ અને પ્રિપેર્ડ ખાદ્યચીજોની તપાસ કરી કુલ 747 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ લોકમેળામાં મનપા દ્વારા 49 ધંધાર્થીને ટેમ્પરરી લાઇસન્સ પણ આપવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગ દ્વારા ચકાસણી દરમિયાન ખાદ્યચીજોના સ્ટોલ અને ફેરિયાઓ દ્વારા વેચાણ થતા બિન આરોગ્યપ્રદ રીતે ધૂળમાં જમીન પર રાખેલ બરફ 300 કિ.ગ્રા., વપરાશમાં લેવાતું દાઝિયું ખાદ્યતેલ 70 કિ.ગ્રા., વાસી સડેલા બટેટા 44 કિ.ગ્રા., વાસી બાફેલા બટેટા 57 કિ.ગ્રા., મસાલાવાળા બટેટા 13 કિ.ગ્રા., પડતર મરચું પાઉડર તથા એક્સપાયરી થયેલ ચાટ મસાલો 09 કિ.ગ્રા., તીખી ચટણી 14 કિ.ગ્રા., મીઠી ચટણી 52 કિ.ગ્રા., કોટિંગ લિક્વિડ 10 કિ.ગ્રા., વાસી ટોપરાનો મસાલો 05 કિ.ગ્રા., વાસી ઘૂઘરા 08 કિ.ગ્રા., વાસી બ્રેડ પકોડા 37 કિ.ગ્રા., વાસી ખાટિયા ઢોકળા 08 કિ.ગ્રા., વાસી સડેલા-કાપેલા શાકભાજી 15 કિ.ગ્રા., વાસી ફ્રૂટ 47 કિ.ગ્રા., ફરાળી ચીપ્સ માટે વપરાતો મકાઇનો લોટ 34 કિ.ગ્રા. ફરાળી ચટણી 15 કિ.ગ્રા., પાણીપુરીનું પાણી 08 લિટર, વાસી મીઠો પાન મસાલો 01 કિ.ગ્રા. મળીને અંદાજિત કુલ 747 કિ.ગ્રા. વાસી અખાદ્ય તથા એક્સપાયરી થયેલ મળી આવેલ ખાદ્યાચીજોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રૈયા રોડ પર 20 ધંધાર્થીને ત્યાં ફૂડ વિભાગે ચેકિંગ કર્યું હતું જેમાં 4ને લાઈસન્સ બાબતે સૂચના આપી હતી.