રૂડાનગરમાં રહેતા યુવકને નાના ભાઈના પ્રેમપ્રકરણમાં માર પડ્યો, યુવતીના કાકા-ભાઈએ ઘરે આવી છરી-ધોકાથી માર માર્યો હતો. મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના કાલાવડ રોડ, ઇસ્કોન મંદિરની પાછળ રૂડાનગર શેરી નં.9માં રહેતા સંદીપભાઈ રાવતભાઈ માંકડ (ઉં.વ.26)નામના યુવકે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મંગળુ ખાચર અને શિવરાજભાઇ ખાચરનું નામ આપ્યું હતું.
સંદીપે ફરિયાદમાં જણાવ્યું છે કે,ગત તા.18ના રાત્રિના સાડા દસેક વાગ્યે તે તેના નાના ભાઈ મનદીપ અને નાની મણિબેન સાથે ઘરે હતો ત્યારે, ડેલી ખખડવાનો અવાજ આવ્યો હોય જેથી યુવકે તેના નાની સાથે બહાર જઈને જોયું ત્યારે મંગળુ ખાચર કે જે વૈશાલીનગર-22માં રહે છે. અને તેની સાથે તેનો ભત્રીજો શિવરાજ ખાચર બંને આવ્યા હતા. તેમણે કહ્યું કે, તારું નામ મનદીપ છે? જેથી તેણે બંનેને જણાવ્યું કે, મનદીપ મારો નાનો ભાઈ છે. બંને પાસે છરી અને ધોકો હોય, જેથી યુવક અને તેના નાની સમજી ગયા કે, તેઓ તેના નાના ભાઈને મારવા માટે આવેલા છે. તેથી યુવકે ડેલો બંધ કરતાં જ શિવરાજે તેના હાથના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો અને બંને કાકા-ભત્રીજાએ મળીને યુવકને આડેધડ માર માર્યો હતો.
દરમિયાન તેનો પાડોશી યુવક બાઈક સાથે ત્યાં આવી જતા તે બાઈક પર બેસી જીવ બચાવી ત્યાંથી ભાગી ગયો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં યુવકે જણાવ્યું હતું કે, બનાવ થવા પાછળનું કારણ તેના નાના ભાઈ મનદીપને શિવરાજ ખાચરની બહેન સાથે પ્રેમસંબંધ હોય અને જે બાબતે મનદીપને યુવતીના માતા સાથે અગાઉ બોલાચાલી થઇ હતી. જે વાતનો ખાર રાખી કાકા-ભત્રીજાએ આ હુમલો કર્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી.