સૌરાષ્ટ્ર યુનિ.માં કચરો સીધો VCના ટેબલ પર ઠાલવાયો

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં વ્યાપ્ત ગંદકી અને અયોગ્ય સફાઈ વ્યવસ્થા સામે વિદ્યાર્થીઓએ ઉગ્ર અને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આશરે 1 મહિના પહેલાં સ્વચ્છતા પ્રેમી સંજય કાકડિયા દ્વારા આ બાબતે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હોવા છતાં પણ પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા. આથી આજે સંજય કાકડિયા, NSUI પ્રેસિડેન્ટ ગૌરવ ખીમચડિયા અને તેમની ટીમે કેમ્પસમાં જાતે સફાઈ અભિયાન હાથ ધરીને કચરો એકઠો કર્યો હતો.

આ એકત્રિત કરેલો કચરો વિદ્યાર્થીઓ સીધો વાઇસ ચાન્સેલર ઉત્પલ જોષીની ઓફિસમાં લઈ ગયા હતા અને તેમના ટેબલ ઉપર મૂકીને ગ્રાઉન્ડ રિયાલિટીનો અહેસાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, યુનિવર્સિટીના ટોયલેટ્સની હાલત અત્યંત બિસ્માર છે અને ગ્રાઉન્ડમાં ઠેર-ઠેર કચરો ફેલાયેલો છે. આ ઘટના બાદ વાઇસ ચાન્સેલરે 1 અઠવાડિયામાં સમગ્ર કેમ્પસમાં વ્યાપક સફાઈ અભિયાન ચલાવવાની ખાતરી આપી છે. જોકે સંજય કાકડિયાએ 2 દિવસમાં સફાઈ કામગીરી શરૂ નહીં થાય તો કેમ્પસમાં “સ્વચ્છતા મહાયજ્ઞ” નામે પ્રતિક વિરોધ કરવાની ચીમકી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *