રાજકોટમાં સરકારી ક્વાર્ટરમાં તસ્કરો ત્રાટક્યા

શહેરના યુનિવર્સિટી રોડ પર બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ નજીક આવેલી કેન્દ્રીય કર્મચારીઓની સરકારી ક્વાર્ટર કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બે અલગ અલગ ક્વાર્ટરના તાળા તોડી કુલ રૂ.2.85 લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.

કેન્દ્રીય કર્મચારી યોગેશભાઈ બાબુરાવ કંધારકર પરિવાર સાથે મહારાષ્ટ્ર ગયા હતા ત્યારે ચોરોએ તેમના ક્વાર્ટરમાં ઘૂસી આશરે રૂ.2.25 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. આ ઉપરાંત બીજા ક્વાર્ટરમાંથી સોનાની વીંટી, ચાંદીની પાયલ અને રૂ.25 હજાર રોકડ મળી કુલ રૂ.60 હજારની ચોરી થઈ હતી. જોકે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ થતા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી લોખંડની જાળી અને સીસીટીવી કેમેરા તોડી 11 કિશોરો ફરાર થઈ જતા સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવી હતી.ફરાર થયેલા કિશોરોમાંથી એક પાકિસ્તાની બાળક થોડા જ કલાકોમાં પરત આવી ગયો હતો. અત્યાર સુધીમાં પોલીસ 8 કિશોરોને અલગ અલગ સ્થળેથી શોધી કાઢવામાં સફળ રહી છે. તાજેતરમાં મારામારીના ગુનામાં સંડોવાયેલ એક કિશોરને જેતપુર પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. જોકે હજુ બે કિશોરોની શોધખોળ ચાલુ છે.

ખોખરા હનુમાન મંદિર નજીક ડમ્પરની ટક્કરે બાઇક પર જતા યુવાનનું મોત મોરબીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ભાનુપ્રતાપ ગણેશ યાદવ (ઉ.વ. 20)નું માર્ગ અકસ્માતમાં મોત થયું છે.ખોખરા હનુમાન નજીક પુરપાટ ઝડપે આવેલા ડમ્પરે તેમની બાઇકને ટક્કર મારતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની શોધખોળ કરી રહી છે.

એકલવાયા જીવનથી કંટાળી પ્રૌઢે ઝેરી દવા પી જતા સારવારમાં મોત મવડી વિસ્તારમાં રહેતા 50 વર્ષીય દીપકભાઈ લાઠીયાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ લાંબા સમયથી એકલવાયું જીવન જીવતા હતા અને માનસિક કંટાળાના કારણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *