ઉપલેટા શહેરમાં સુરક્ષા નેટ વિના જર્જરિત બિલ્ડિંગ તોડાતા રોડ પર ફેંકાતો કાટમાળ

ઉપલેટા શહેરના બસ સ્ટેશન ચોક વિસ્તારમાં પોરબંદર રોડ પાસે આવેલી એક અતિ જર્જરિત બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી નગરપાલિકાની દેખરેખ હેઠળ ચાલી રહી છે. જોકે, આ કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારની સેફ્ટી નેટ કે આડશ રાખવામાં આવી નથી. વ્યસ્ત માર્ગ પર જ બિલ્ડિંગનો ભારે કાટમાળ સીધો નીચે રોડ પર ફેંકવામાં આવતો હોવાથી વાહનચાલકો અને રાહદારીઓના જીવ પર જોખમ ઊભું થયું છે.

આ જર્જરિત બિલ્ડિંગની નીચે અને સામેની બાજુએ એક બેંક તથા 6 થી 7 જેટલી દુકાનો ધમધમી રહી છે. પોરબંદર રોડ અને બસ સ્ટેશન ચોક વિસ્તાર સતત વાહનો અને નાગરિકોની અવરજવરથી વ્યસ્ત રહે છે.

આવી ભીડભાડવાળી જગ્યાએ સુરક્ષાના સાધનો વિના થઈ રહેલી બેદરકાર કામગીરી મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી છે. જો ઉપરથી પડતો પથ્થર કે કાટમાળ કોઈ વાહનચાલક કે પસાર થતા નાગરિક પર પડે તો ગંભીર અકસ્માત કે જાનહાનિ થઈ શકે તેમ છે. આ ગંભીર બેદરકારીને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર તાકીદે યોગ્ય પગલાં લે તેવી માગ ઉઠી છે.

નગરપાલિકા દ્વારા બિલ્ડિંગ માલિકને અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી, જેના આધારે હાલ આ બાંધકામ તોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સેફ્ટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાતું હોવા છતાં સ્થળ પર હાજર પાલિકાના સુપરવાઈઝરોએ આંખ આડા કાન કર્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *