એક સમય હતો જ્યારે કાઠિયાવાડમાં અજાણ્યો માણસ પણ ગામમાં આવે તો તેને પોતાના ઘરની હૂંફનો અનુભવ થતો. રોટલો મળે કે ન મળે, પરંતુ ઓટલો જરૂર મળતો.
આ માણસાઈની પરંપરાનું જીવંત પ્રતીક હતી ધર્મશાળા. આજે એવી જ એક વર્ષો જૂની ધર્મશાળા મોટાદડવામાં જર્જરિત હાલતમાં જોવા મળે છે, જે ગામની મહેમાનગતિ અને સંસ્કૃતિના ધૂંધળા બનતા વારસાની યાદ અપાવે છે.
અગાઉના સમયમાં દૂરથી આવતા યાત્રાળુઓ, સાધુ-સંતો, વેપારીઓ અને વટેમાર્ગુઓ માટે ધર્મશાળા આશ્રયસ્થાન બનતી હતી. રાત્રી રોકાણ, આરામ અને પરસ્પર મુલાકાતોનું આ કેન્દ્ર માત્ર ઇમારત નહોતું, પરંતુ માણસાઈનો ધબકાર હતું. અહીં અજાણ્યા લોકો વચ્ચે પણ સંબંધો બંધાતા અને ગામની ઓળખ મહેમાનગતિથી થતી.
સમય બદલાતા સુવિધાઓ વધી, પરંતુ ધર્મશાળાઓનું મહત્વ ધીમે ધીમે ઘટતું ગયું. પરિણામે અનેક ધર્મશાળાઓની જેમ મોટાદડવાની ધર્મશાળા પણ ઉપેક્ષાનો ભોગ બની છે.
તૂટતી દીવાલો, જર્જરિત માળખું અને ઉગી નીકળેલી વનસ્પતિ આજે તેના અસ્તિત્વ પર સવાલ ઉભો કરે છે.
આજે પણ પગપાળા યાત્રા કરતા સંઘો, વટેમાર્ગુઓ અને જરૂરિયાતમંદ મુસાફરો માટે આવી જગ્યાઓ ઉપયોગી બની શકે છે. જો સ્થાનિક તંત્ર, સમાજ અને સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને જૂની ધર્મશાળાઓનું પુનર્જીવન કરે તો ફરી એકવાર માણસાઈનો આ ઓટલો જીવંત બની શકે.
માણસ માણસના કામ આવે તેનાથી મોટો કોઈ ધર્મ નથી. કદાચ એટલા માટે જ કાઠિયાવાડના લોકસાહિત્યમાં મહેમાનગતિ અને માણસાઈના દુહાઓ આજે પણ જીવંત છે. ધર્મશાળા માત્ર ઇમારત નથી, તે આપણી સંસ્કૃતિ અને સંવેદનાનો વારસો છે.