રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતે રહેતા જિતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉં.વ.77)ના ઘરમાં શનિવારે મધ્યરાત્રિના પાંચ અજાણ્યા બુકાનીધારી લૂંટારુઓ તીક્ષ્ણ હથિયારો સાથે ત્રાટક્યા હતા અને રૂપિયા 2.49 કરોડની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા આ ઘટનાને 36 કલાક કરતા વધુ સમય વીતવા છતાં હજુ પણ લૂંટારૂઓને પકડવામાં પોલીસને સફળતા મળી નથી, ત્યારે આ કેસમાં શાતીર લૂંટારુઓ દ્વારા પોલીસ પકડથી બચવા માટે લૂંટ કરી અને નાસી છૂટવા માટે ચોરાઉ વાહનનો ઉપયોગ કર્યો હોવાનું તેમજ લૂંટમાં વપરાયેલ હથિયાર પણ ચોરી કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જો કે આરોપીઓને પકડવા માટે પોલીસે નાકાબંધી જરૂર કરી પરંતુ હજુ સુધી આરોપીઓનું પગેરું ન મળતા રાજ્ય અને રાજ્ય બહાર અલગ અલગ ટિમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે માટે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને ક્યારે સફળતા મળશે તે જોવું મહત્વનું રહેશે.
શનિવારે બનેલી લૂંટની ચકચારી ઘટનામાં લૂંટારુઓએ એકલા રહેલા વૃદ્ધ પર ઘાતકી હુમલો કરી તેમને બંધક બનાવી ઘરમાંથી રૂ.2.47 કરોડની રોકડ રકમ, સોના ચાંદીના ઘરેણાં એક લાઈસન્સવાળી રાઈફ્લ સહિત કુલ રૂ.2.49 કરોડની મત્તાની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં પોલીસે તપાસ કરતા લુંટારૂ ટોળકીએ નાસી જવા માટે નજીકમાંથી જ બાઈક ચોરી કર્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આરોપીઓ રીઢા અને શાતીર ગુનેગાર હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસ અલગ અલગ ટિમો બનાવી રાજ્ય તેમજ અન્ય રાજ્યોમાં પોલીસ સ્ટાફને મોકલી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.