રાજકોટના જામનગર રોડ પર પરાપીપળીયા ગામના પાટિયાથી એઇમ્સ હોસ્પિટલ તરફ જતો 900 મીટરનો એપ્રોચ રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી દર્દીઓ અને ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ પ્રશ્ને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન નાગદાન ચાવડા તથા સ્થાનિક આગેવાનોએ માર્ગ અને મકાન વિભાગને તાકીદે રસ્તાની મરામત મંજૂર કરવા માંગ કરી છે.
આગામી 13 ઓગસ્ટ સુધીમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પરાપીપળીયા અને ખંઢેરી ગામના લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને પાઠવેલા પત્રમાં જણાવ્યા અનુસાર, એઇમ્સ હોસ્પિટલ હોવાના કારણે આ માર્ગ પર દિવસ-રાત હજારો લોકો અને વાહનોની સતત અવરજવર રહે છે. પરાપીપળીયા ગામના માજી સરપંચ વિક્રમ હુંબલે પણ ઉમેર્યું હતું કે, કલેક્ટર, મામલતદાર અને TDO જેવા જવાબદાર અધિકારીઓએ આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ તાત્કાલિક રસ્તાનું સમારકામ કરાવવું જોઈએ.