રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા શહેર અને જીલ્લાના સસ્તા અનાજના દુકાનદારોને ત્યાં ચેકિંગ કરાવવામાં આવી રહ્યું છે. જે દરમ્યાન જથ્થામાં વધઘટ સહિતની ક્ષતિઓ બહાર આવતા રાશનીંગના 5 દુકાનદારને પુરવઠા અધિકારી અજય ઝાંપડા દ્વારા ₹8 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ₹ 2.55 લાખનો દંડ જામટીંબડીના મહિલા પરવાનેદારને કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ જીલ્લાના જેતપુર, વિંછીયા, કેરાળી, જામટીંબડી અને સોખડા ગામમાં પુરવઠાની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન વેપારી કિશોર હેમનાણી, જેન્તીભાઈ રાજપરા, ગાંડુભાઈ ગુજરાતી, વારસંકીયા લક્ષ્મીબેન અને બાલીયા મીનાબેનની દુકાનમાંથી જથ્થામાં વધઘટ જણાતા આ તમામ કેસ પુરવઠા અધિકારી સમક્ષ ચાલી ગયા હતા. આ 5 કેસમાં પુરવઠા અધિકારીએ ₹ 8,20,158 નો દંડ પરવાનેદારોને ફટકાર્યો હતો.
આ ઉપરાંત સૌથી વધુ રૂ.2.55 લાખનો દંડ જામટીંબડીના પરવાનેદાર વારસંકીયા લક્ષ્મીબેનને ફટકારવામાં આવ્યો છે. જ્યારે જેતપુરના પરવાનેદાર કિશોરભાઈ હેમનાણીને રૂ.2.29 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. જયારે કેરાળીના ગાંડુભાઈ ગુજરાતીને રૂ.1.53 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.