વર્ષ 2009માં મોટા મવા ગામના સરપંચના હત્યા કેસમાં ફરિયાદીનુ નામ ન ખોલાવવા માટે માંગેલ રૂ.3.50 લાખની લાંચનો દોઢ લાખનો બીજો હપ્તો સ્વીકારતા ઝડપાઈ ગયેલ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ 2010ના પોલીસ ઈન્સ્પેકટર ચંદુલાલ પુજગર ગોસાઈ, હાલ ઉ.વ.72ને ખાસ કોર્ટના જજ વી.એ.રાણા સાહેબે તકસીરવાન ઠરાવી બે વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.10,000નો દંડ ફટકાર્યો છે.
રૂ.15 લાખની લાંચની માંગણી કરી હતી તા.18.11.2009ના રોજ મોટા મવા ગામના સરપંચ મયુર તળશીભાઈ શિંગાળાની હત્યા કેસમાં રમેશભાઈ રાણાભાઈ મકવાણાની પણ સંડોવણી હોવાની રજુઆત થઇ હતી. આ સમયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. ચંદુલાલ પી.ગોસાઈએ રમેશભાઈ રાણાભાઈને બોલાવી તેમનુ નામ ન ખોલાવવા માટે રૂ.15 લાખની લાંચની માંગણી કરી હતી. જે રકઝકના અંતે 3.50 લાખમાં સેટલ થઇ હતી. આ રકમ પૈકી રૂપિયા 2 લાખ ફરીયાદી રમેશભાઈએ ટ્રેપના દિવસે સાંજના સમયે આપી દીધા હતા. પરંતુ આરોપી સી.પી.ગોસાઈએ બાકીના 1.50 લાખ રાત સુધીમાં પોલીસ સ્ટેશને પહોંચાડી દેવા જણાવ્યું હતું. ફરીયાદીએ આ અંગે સાંજના સમયે એ.સી.બી.માં ફરીયાદ કરી લાંચનુ છટકુ ગોઠવ્યું હતું જે છટકા દરમ્યાન આરોપી સી.પી. ગોસાઈએ પી.આઈ.ની ચેમ્બરની અંદર ફરીયાદી રમેશભાઈ પાસેથી બાકીના રૂપિયા દોઢ લાખ પોતાના હાથે સ્વીકારી ટેબલ ઉપર રાખી દીધા હતા.
એ.સી.બી.ના ટ્રેપીંગ અધિકારીની સુચના મુજબ ફરીયાદી રમેશભાઈએ આરોપીની ચેમ્બરની બહાર આવી ટ્રેપીંગ ઓફીસર તરફ ઈશારો કરતા ટ્રેપીંગ ઓફીસર કે.બી.ઝાલા પી.આઈ. ચેમ્બરમાં આવી અને મુદામાલવાળી દોઢ લાખની ચલણી નોટો ટેબલ પરથી કબ્જે કરી હતી. ત્યારબાદ આ જગ્યાએ ફીનોપથેલીન પાવડરનો પ્રયોગ કરી દ્રાવણ અને મુદામાલવાળી નોટો કબ્જે કરવામાં આવી હતી. ટ્રેપના દિવસે આરોપી સી.પી. ગોસાઈની ઘરની ઝડતી તપાસ દરમ્યાન રૂ.3.31 લાખ રોકડા મળી આવ્યા હતા. તપાસ બાદ ચાર્જશીટ રજુ થતા બચાવ પક્ષ દ્વારા રજુઆતો કરાવામાં આવી હતી કે, ફરીયાદીએ તેમને ખોટી રીતે ફસાવવા માટે ટેબલ ઉપર નોટોનુ બંડલ મુકી જતા રહ્યા છે. આરોપી તેમને આ રકમ પાછી આપવા પાછળ ગયા પરંતુ તે દરમ્યાન આરોપીને ટ્રેપમાં ઝડપી લેવામાં આવ્યા હતા.