રાજકોટ-ભાવનગર હાઈવે ઉપર 25 જૂનની મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ત્રંબા ગામે રહેતાં દંપતી ભીમ અગીયારસ નિમિતે એક્ટિવા પર બેસી પોતાના ત્રણ વર્ષના પુત્રને સાથે લઇ કેરીનો રસ લેવા નીકળ્યા હતાં. રસ લઇને પરત ઘરે જતી વખતે રાજકોટ-ભાવનગર હાઈવે પર ત્રંબા અને કાળીપાટ વચ્ચે તેનના એક્ટિવાને રાજકોટ તરફથી આવતી કારે ઠોકર મારી હતી. આ અકસ્માતમાં પત્નિનું મોત નીપજ્યું હતું અને પતિ-પુત્રને ઇજા પહોંચી હતી.
રાજકોટ તરફથી પૂરઝડપે આવતી કારે એક્ટિવાને ટક્કર મારી રાજકોટ નજીક ગઢકા રોડ પર આવેલી ગોલ્ડ કોઈન સોસાયટીમાં રહેતા અને કારખાનામાં નોકરી કરતાં ભાવેશભાઈ ધીરૂભાઈ બાંભણીયા (ઉં.વ.34) ગઈકાલે ભીમ અગીયારસ હોવાથી એક્ટીવા જીજે.03.પીકે.1319 લઇને પત્નિ નીશાબેન બાંભણીયા (ઉં.વ.32) અને પુત્ર કાનો (ઉં.વ.3)ને બેસાડી ત્રંબા ગામમાં કેરીનો રસ અને ઘરનો બીજો સામાન લેવા માટે ગયા હતાં. ખરીદી કરી પરત પોતાના ઘરે જતાં હતાં, ત્યારે રાત્રિના રાજકોટ-ભાવનગર હાઈવે પર ત્રંબા ગામ નજીક આવેલી ખોડીયાર હોટેલ પાસે પહોંચ્યા, ત્યારે રાજકોટ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી એક ફોર-વ્હીલ કારના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે, એક્ટિવા સવાર પરિવારના ત્રણેય સભ્યો રોડની સાઈડમાં ફેંકાઇ ગયા હતા અને ત્રણેયને માથા તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેઓ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ભાવેશભાઈના પિતા ધીરૂભાઈ અને તેમના પત્નિ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત સર્જનાર કાર નંબર જીજે.03.એનએફ.3065નો ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ મુકીને ભાગી ગયો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય ઈજાગ્રસ્તોને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જો કે અહીં નીશાબેનને તબિબે તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.