ગુનાહિત ઇતિહાસ અને મજબૂત પુરાવાની કોર્ટે નોંધ લીધી

રાજકોટ નજીક કોઠારિયા સોલવન્ટમાં હૈદરભાઈની હત્યા કેસમાં મુખ્ય આરોપી રાહુલ મનુભાઈ પરેશાની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે નામંજુર કરી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી દ્વારા અન્ય આરોપીને મળેલ જામીન પેરીટીનો લાભ આપવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સરકારી વકીલે તેઓ વિરોધ કરતા કોર્ટે સરકારી વકીલની દલીલ માન્ય રાખી જામીન ન આપવા નિર્ણય કર્યો છે.

મારામારીમાં હૈદરભાઈનું મોત થયું હતું 26 ફેબ્રુઆરી, 2026ના રોજ કોઠારિયા સોલવન્ટ પ્લાન્ટ નજીક આવેલી કે.જી.એન. શોપ પર મોબાઈલ પરત આપવાના મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીઓ મહેશ પરેશા, હરેશ પરેશા, ઈમરાન કાદરી અને રાહુલ પરેશાએ ફરિયાદી તથા અન્ય વ્યક્તિઓ સાથે મારામારી કરી હતી. દરમિયાન લાકડાના ધોકાથી થયેલા હુમલામાં હૈદરભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું અને બનાવ અંગે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.

આરોપીની જામીન અરજી સામે સરકારી વકીલની દલીલ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવતા આરોપી દ્વારા જેલમાંથી મુક્ત થવા જામીન અરજી દાખલ કરી હતી. જેની સામે સરકારી વકીલે વિરોધ નોંધાવી દલીલ કરી હતી કે, હાલનો આરોપી મુખ્ય હુમલાખોર છે અને બનાવના નજરે જોનારા સાક્ષીઓ ઉપરાંત સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે, તેમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ મોતનું કારણ બ્લન્ટ ઓબ્જેક્ટથી થયેલી ગંભીર ઈજા હોવાનું સામે આવ્યું છે. તેમજ બનાવમાં વપરાયેલ લાકડાનો ધોકો પણ આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *