જેતલસર જંકશનના સ્ટાફની બદલીની પ્રક્રિયા‎અટકી

જેતલસર જંકશનના રેલવેનો 72 કર્મચારીનો સ્ટાફ અને લોબીને શિફ્ટ કરવાની ચાલી રહેલી હિલચાલ સામે ધારાસભ્ય રાદડિયાએ સ્થાનિકોને રેલવે સામે આંદોલન કરવાની ખાતરી આપી તેમની આજીવિકા નહીં છીનવાય તેવી હૈયાધારણા આપી હતી અને રેલવે તંત્રને જે તે સમયે 10 દિવસમાં સ્ટાફની તરફેણમાં બદલી રોકવાના ઓર્ડર આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું અને તે મુદત 23 જૂને પૂર્ણ થઇ જતાં ફરી આ મુદો ગરમાયો હતો અને ધારાસભ્ય ઠાલા આશ્વાસનો આપી ગયા હોવાના તર્ક વહેતા થયા હતા.

જો કે શુક્રવારે ફરી ધારાસભ્યએ સ્થાનિક આગેવાનો સાથે હાલની સ્થિતિની ચર્ચા કરી ઉમેર્યું હતું કે હું રેલવેના જીએમ સાથે સતત સંપર્કમાં છું જ, સ્ટાફની બદલી રોકી દેવાઇ છે અને તેના ઓર્ડર કાઢવામાં જો વિલંબ થશે તો આંદોલન નક્કી જ છે તેમ આશ્વાસન આપ્યું હતું.

અગાઉ આશ્વાસન મળતા આંદોલન સ્થગિત કરાયું હતું, અને તેની મુદત તા.23 જૂન હતી ,ત્યાર બાદ પણ કોઇ જ હલચલ ન દેખાતાં ફરી ધારાસભ્ય પણ પાણીમાં બેસી ગયા કે શું તેવા સવાલો ઉઠ્યા હતા. જેતલસર જંકશનનું મહત્વ જાળવી રાખવા માટે ગ્રામજનોએ રેલવે બચાવ સમિતિની રચના કરી હતી, જેના બેનર હેઠળ ધરણા અને આંદોલન પણ થયા હતા. ત્યારબાદ રેલવે મંત્રી તરફથી યોગ્ય ઉકેલની ખાતરી મળ્યા બાદ આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું.

આ પ્રશ્ને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને રાદડિયાએ જો 23 જૂન સુધીમાં આંદોલન સમિતિની માંગ પૂર્ણ નહિ થાય તો આંદોલન છેડવાની ચીમકી આપી હતી. પછી કોઇ હલચલ ન થતાં લોકોમાંથી અનેક સવાલો ઉઠવા લાગ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે ધારાસભ્ય પોતાની બોલી પર અફર રહે છે કે પાણીમાં બેસી જાય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *