રાજકોટમાં સોનીબજારમાંથી ઝડપાયેલા 3 આતંકીને આજીવન કેદ

ગત 26 જુલાઈ 2023ના રોજ ATS (એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ)એ રાજકોટ ખાતે સોનીબજારમાં નોકરી કરતા અને અલ-કાયદાનો પ્રચાર કરતા ત્રણ આતંકીને ઝડપી લીધા હતા, જેની સામેનો ગુનો પુરવાર થતાં તેમને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા અને રૂ.10,000નો દંડ ફટકાર્યો છે.

સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં વ્હોટસએપ ચેટિંગના વાર્તાલાપથી સાબિત થાય છે કે તેઓ મુસ્લિમ સમાજના ચોક્કસ વર્ગને દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરી રહ્યા છે.

સરકારી વકીલે સાક્ષીની ઊલટતપાસ કરી સાબિત કરી બતાવ્યું આ ઉપરાંત તેઓ પાસેથી મળી આવેલાં આ મોબાઈલ ફોન, પિસ્તોલ અને કારતૂસ અંગે કોઈ જ ખુલાસો કે ઈનકાર નથી, જે સાબિત કરે છે કે આ ત્રણેય શખસ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. આરોપીઓએ પોતાના બચાવમા જે બે મુસ્લિમ શખસની સાક્ષી તરીકે જુબાની લેવડાવી બચાવ કર્યો છે કે એ ત્રણેય આરોપી મસ્જિદમાંથી કયારેય પણ દેશવિરોધી પ્રચાર કરતા જોવા મળ્યા નથી. આ બાબતે જિલ્લા સરકારી વકીલ વોરાએ બચાવપક્ષના સાક્ષીની ઊલટતપાસ કરીને સાબિત કર્યું હતું કે બચાવપક્ષના આ બને સાક્ષી દિવસ દરમિયાન નમાજ માટે મસ્જિદમાં ફકત 15થી 20 મિનિટ જ જતા હતા. દિવસ દરમિયાનના બાકીના કલાકોમાં જુદા જુદા સમયે થતી નમાજ વખતે ત્રણેય આરોપીઓ શું પ્રવૃત્તિ કરે છે એ આ બન્ને સાહેદોને કોઈ જાણકારી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *