રાજકોટ શહેરના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ગરબા આયોજનમાં સ્ટેજ પરથી ગબડ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જોકે, સદનસીબે તેમને કોઈ મોટી ઈજા પહોંચી નથી, પરંતુ હાલ સોશિય મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ મહાદેવનું ભજન સાંભળી તાનમાં આવી ગયા હતા અને સિંગરની નજીક જતાં તેઓ સ્ટેજ પર રહેલા સ્ટેપ ન દેખાતા નીચે પડ્યા હતા. જોકે, આયોજકો અને કાર્યકર્તાઓ દ્વારા તત્કાલ તેમને ઉભા કરી દેવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેર પૂર્વ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ગત સોમવારના રોજ રાત્રિના સમયે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજા સાથે નવા રિંગ રોડ પર આવેલા પરસાણા ચોક નજીક ખોડલધામ નોર્થ ઝોન ગરબા આયોજનમાં મહેમાન તરીકે ગયા હતા. જ્યાં તેમનું બુકે આપી ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી તેઓ સ્ટેજ પર ઉભા ઉભા રાસ ગરબા નિહાળી રહ્યા હતા. આ દરમિયાન ગાયક કલાકાર દેવ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા મહાદેવનું ભજન ગાવામાં આવ્યું હતું. ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ મહાદેવના પરમ ભક્ત હોવાથી તાનમાં આવી ગયા હતા અને તેમને ભજન પસંદ આવ્યું હતું.