મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ શુક્રવારે બોલિવૂડ એક્ટર ડિનો મોરિયા સાથે મીઠી નદી સફાઈ કૌભાંડના સંદર્ભમાં છ કલાક સુધી પૂછપરછ કરી.
EOWના એક અધિકારી અનુસાર, પૂછપરછ બાદ અભિનેતાને જવા દેવામાં આવ્યા. જરૂર પડ્યે તેમને ફરીથી બોલાવવામાં આવી શકે છે.
આ તપાસમાં મોરિયાનું નામ એટલા માટે સામે આવ્યું છે કારણ કે તેમના પર એવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સાથે જોડાયેલા હોવાનો આરોપ છે, જેમણે મુંબઈમાં પૂરથી બચાવ અને ડ્રેનેજ સિસ્ટમની જાળવણી માટે ફાળવવામાં આવેલા સરકારી ભંડોળમાં ગેરરીતિ કરી હતી.
આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે ડીનો દિશા સાલિયાનના મૃત્યુના મામલે પણ તપાસનો સામનો કરી રહ્યા છે.
2025માં પણ EDએ મુંબઈ અને કોચીમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં મોરિયાનું ઘર પણ સામેલ હતું. આ દરોડામાં તપાસના દાયરામાં આવેલા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સાથે જોડાયેલા લોકો અને સંગઠનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
તપાસમાં સામે આવ્યું કે આરોપી કેતન કદમ અને જય જોશીએ મેટપ્રોપ કંપનીના અધિકારીઓ તથા BMCના સ્ટોર્મ વોટર ડ્રેન્સ વિભાગના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને કૌભાંડ કર્યું હતું.
જ્યારે કૌભાંડના મુખ્ય આરોપી કેતન કદમના કોલ રેકોર્ડ્સની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં એક્ટર ડિનો મોરિયા અને તેમના ભાઈનું નામ સામે આવ્યું. બંનેએ અનેક પ્રસંગોએ કેતન કદમ સાથે વાત કરી હતી.
તપાસ અધિકારીઓનું માનવું છે કે ડિનો મોરિયા અને કેતન માત્ર મિત્રો નથી, પરંતુ તેમની વચ્ચે પૈસાની લેવડદેવડ પણ થઈ શકે છે. આ જ કારણસર ડિનોને તપાસના દાયરામાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.