રાજકોટવાસીઓને 4 નવી ફ્લાઈટ મળશે

રાજકોટવાસીઓને દિવાળી ભેટરૂપે 4 ફ્લાઈટ મળશે. જેમાં ઈન્ડિગોની દિલ્હીની ફ્લાઇટ તો કન્ફર્મ છે જ્યારે ચાઈના કનેક્ટિવિટી ધરાવતી કોલકાતાની ફ્લાઇટ શરૂ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. જેનું શેડયૂલ થોડા દિવસોમાં જાહેર થશે. આ ઉપરાંત એર ઈન્ડિયાની મુંબઈની ફ્લાઈટ 1 ઓક્ટોબરથી એટલે કે આજથી શરૂ થઈ ચૂકી છે. જ્યારે 26મી ઓક્ટોબરથી વિન્ટર શેડયૂલમાં દિલ્હીની નવી સવારની ફ્લાઈટ શરૂ થશે. દિવાળીના તહેવારોમાં હવાઈ મુસાફરો હરવા ફરવા જતાં હોવાથી ભારે ભીડ જોવા મળશે. જ્યારે શહેરમાં તેમજ આસપાસ 2 લાખ જેટલા MSME એટલે કે નાના ઉદ્યોગો આવેલા છે. આ પ્રકારના નાના ઉદ્યોગકારો અને વેપારીઓને પણ ફાયદો થશે.

એર ઇન્ડિયા દ્વારા રાજકોટથી મુંબઈની એક માસ પહેલા બંધ થઈ ગયેલી ફ્લાઇટ 1 ઓક્ટોબરથી શરૂ થઈ ચૂકી છે. જેમા AI 2657 નંબરની ફ્લાઇટ મુંબઈથી હિરાસર 10.50 વાગ્યે પહોંચશે અને આ AI 2658 ફ્લાઈટ 11.30 વાગ્યે મુંબઈ જવા માટે રવાના થશે. જ્યારે 26 ઓક્ટોબર, 2025થી 28 માર્ચ, 2026 સુધીના વિન્ટર શેડયૂલમાં દિલ્હીની સવારની 10.10 વાગ્યાની નવી ફ્લાઈટ શરૂ થશે. જ્યારે મુંબઈની ફ્લાઈટનો સમય 8.30 વાગ્યાનો થઈ જશે.

જ્યારે ઈન્ડિગો પણ વિન્ટર શેડયૂલમાં નવી 2 ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીમાં છે. જેમાં નવેમ્બરમાં નોઇડામાં નવું ઝેવર એરપોર્ટ શરૂ થતા દિલ્હીની ફ્લાઇટસ ત્યાં શિફ્ટ થઈ જશે અને તેથી સ્લોટ મળતા રાજકોટથી દિલ્હીની નવી ફ્લાઈટ શરૂ થઈ જશે. જ્યારે રાજકોટથી ચાઇના કનેક્ટિવિટીવાળી કોલકાતાની ફ્લાઇટ શરૂ થઈ જશે. જેથી રાજકોટથી ચાઇના જવા માંગતા બિઝનેસ ક્લાસ હવાઈ મુસાફરોને લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *