રાજકોટની નામાંકિત SNK સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. રાજકોટની SNK સ્કૂલ દ્વારા 19 ડિસેમ્બરના રોજ ધોરણ-1ના વિદ્યાર્થીઓને જૂનાગઢ પ્રવાસમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં જમ્યા બાદ બીજા દિવસે કેટલાક બાળકોને ફૂડ પોઈઝિંગ થયા અંગે ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને એક વાલી દ્વારા લેખિતમાં કરવામાં આવી છે. હાલ લેખિત ફરિયાદના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ કમિટી બનાવવામાં આવી છે. જેમાં વર્ગ-2ના એક અધિક અને બે નિરીક્ષક સહીત 3 લોકોને તપાસ સોંપવામાં આવી છે.
રાજકોટ શહેરની વધુ એક ખાનગી શાળા વિવાદમાં આવી છે. રાજકોટના શાંતિલાલ નાથાલાલ કણસાગરા ટ્રસ્ટ સાથે સંકળાયેલી TGES-વાડી સ્કૂલ દ્વારા જુદા-જુદા ધોરણના વિદ્યાર્થીઓને પ્રવાસ અર્થે જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે પ્રવાસનું આયોજન 19 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવ્યું હતું. 19 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રિના 11 વાગ્યે પ્રવાસ પૂર્ણ થયા બાદ બીજા દિવસે સવારથી સ્કૂલના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ થયું હોવાનું જય મોલીયા નામના વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
સમગ્ર મામલે જય મોલીયા નામના વાલી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ઇમેઇલ મારફત જાણ કરવામાં આવી છે. જે રજૂઆતમાં લખવામાં આવ્યું છે કે, ફૂડ પોઈઝનિંગ થવાના કારણે વિદ્યાર્થીઓને ઉલટી શરૂ થઈ ચૂકી હતી તેમજ પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ પણ પેરેન્ટ્સ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં કરવામાં આવી હતી ત્યારે તેમની દીકરીને ઉલટી બંધ ન થવાના કારણે પ્રાઇવેટ હોસ્પિટલમાં બે દિવસ સુધી દાખલ કરવામાં આવી હતી. હજુ પણ તેની સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીઓને પનીરની સબ્જી ખવડાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.