રાજકોટ નજીક ચાલુ ટ્રેનમાં નિવૃત પીઆઇ સાથે લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા કોર્ટ મુદ્દતે જામનગરથી અમદાવાદ જવા વડોદરા જતી ઈન્ટરસિટીમાં બેઠા હતા. દરમિયાન હાપાથી ટ્રેન નીકળી અને પડધરી પહોંચવાની તૈયારી હતી ત્યારે ચાલુ ટ્રેનમાં તેમના પર મોઢે રૂમાલ બાંધેલા હિન્દી ભાષી શખ્સે હુમલો કરી ઢીકાપાટુ તેમજ ટ્રેનમાં રખાયેલા આગ ઓલવવાના લોખંડના બાટલાથી બેફામ માર મારી લોહીલુહાણ કરી નાંખી તેમની પાસેના રિવોલ્વર જેવા દેખાતા લાઈટર, બે મોબાઇલ ફોન લૂંટી લેતાં રેલ્વે પોલીસની ટીમે તપાસ શરૂ કરી હુમલાખોરને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હુમલામાં ગંભીર ઇજા પામનારા નિવૃત પીઆઇને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કોર્ટ મુદત અમદાવાદ જવા ટ્રેનમાં નીકળા હતા જામનગરમાં જી.જી.હોસ્પિટલ પાસે રહેતાં ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.77) જામનગર-વડોદરા ઇન્ટરસીટી ટ્રેનમાં બેસી વહેલી સવારે જામનગરથી અમદાવાદ જવા નીકળ્યા હતા ત્યારે 5 વાગ્યે ટ્રેન હાપાથી ઉપડી પડધરી પહોંચે તે પહેલા ચાલુ ટ્રેનમાં ધર્મેન્દ્રસિંહ પર અજાણ્યા શખ્સે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તેમજ ટ્રેનમાં રખાયેલા આગ ઓલવવાના બાટલા વડે માથા-મોઢા પર બેફામ માર મારતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. દરમિયાન ટ્રેન રાજકોટ સ્ટેશન આવી ત્યારે ધર્મેન્દ્રસિંહને લોહી નીકળતી હાલતમાં ટ્રેનમાંથી બહાર આવતાં લોકો એકઠા થઇ ગયા હતાં અને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.