રાજકોટના ભગવતીપરામાં યુવાને આજે સવારે પોતાના ઘરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવક ત્રણ બહેનોનો એકનો એક ભાઈ છે. તે ઝનાના હોસ્પિટલમાં કોન્ટ્રાકટ પર નર્સિંગ તરીકે નોકરી કરે છે. તેનાં લગ્ન ચાર મહિના પહેલા થયા હતાં. લગ્ન બાદ પત્નીને અન્ય કોઈ સાથે આડા સંબંધ હોય બે મહિનાથી તેણી રિસામણે ચાલી ગઈ હતી અને છુટાછેડાના 30 લાખની માંગણી કરી સાસુ સસરાને માનસિક ત્રાસ આપી ધમકીઓ આપતી હતી. જેનાથી કંટાળી તેણે સ્યુસાઈડ નોટ લખી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી-ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે નિવેદન નોંધી તપાસ તજવીજ હાથ ધરી છે.
બેડી ચોકડી પાસે પત્નીના આડા સંબંધમાં બે યુવાનો વચ્ચે મારામારી, એકનો કાન કાપી નાંખ્યો મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતો રીક્ષા ચાલક અનિલ વીજવાડીયા નામનો યુવાન આજે સવારે બેડી ચોકડી ટ્રાફીક પોલીસ ચોકી પાસે હતો ત્યારે દિલીપ ઉર્ફે જીગ્નેશે ધારદાર હથિયાર વડે માથાના ભાગે તથા મોંઢામાં માર માર્યો હતો. અનિલના જણાવ્યા મુજબ, આરોપી જીજ્ઞેશને તેની પત્ની સાથે આડા સંબંધ હોય જે બાબતે એક વર્ષથી તેને સંબંધ ન રાખવાનું કહેતો હોવા છતાં તે સંબંધ રાખતો હોવાથી સમજાવવા જતાં માર માર્યો હતો. જ્યારે સામાપક્ષે ભગવતીપરામાં રહેતો ઈકો ચાલક જીજ્ઞેશ ગોહેલ પર આજે સવારે અનિલે ઝઘડો કરી છરી વડે હુમલો કરતાં તેનો કાન કપાઈ ગયો હતો. આ મારામારીમાં બન્ને યુવાનો ઘવાતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.