રાજકોટ કેન્સર હોસ્પિટલમાં પ્રથમ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને હેમેટોલોજી કેર સેન્ટર કાર્યરત

રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ) ખાતે ‘પ્રોજેક્ટ રક્તજ્યોતિ’ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે પ્રથમવાર સંપૂર્ણ સમર્પિત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, સેલ્યુલર થેરાપી સાથેનું હેમેટોલોજી કેર સેન્ટર (લોહીના કેન્સરના રોગોનો વિભાગ) શરૂ કરાયું છે. આ પ્રોજેક્ટ હોસ્પિટલના ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ ગૌરાંગ સંઘવીના નેતૃત્વ, જે.જે.કલારિયા અને અન્ય ટ્રસ્ટીઓના માર્ગદર્શન તથા મેડિકલ ડિરેક્ટર ડો. ખ્યાતિ વસાવડાના અથાગ પરિશ્રમથી સાકાર થયો છે. આ કેન્દ્ર શરૂ થતાં હવે દર્દીઓને સારવાર માટે અમદાવાદ, મુંબઈ કે સુરત જેવા શહેરોમાં જવાની જરૂરિયાત ઓછી રહેશે.

આ અદ્યતન વિભાગનું નેતૃત્વ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો. નિરાલી ચંદન સંભાળશે. તેમની ટીમમાં ડો. મહર્ષિ ત્રિવેદી, ડો. કેવલ કાલાવડિયા, ડો. અદિતી થાનકી અને ડો. પૂજા તન્ના સહિત નિષ્ણાત નર્સિંગ સ્ટાફ સેવા આપશે. આ કેન્દ્રમાં લ્યુકેમિયા, લિમ્ફોમા, મલ્ટિપલ માયેલોમા, એપ્લાસ્ટિક એનિમિયા, થેલેસેમિયા, સિકલ સેલ અને હિમોફિલિયા જેવા લોહીના ગંભીર રોગો તથા બ્લડ કેન્સરનું સચોટ નિદાન અને સારવાર મળશે. છેલ્લા 1 મહિનાથી શરૂ થયેલા આ સેન્ટરમાં 1 દર્દીની સફળ સારવાર પણ કરવામાં આવી છે. અમદાવાદ અને બરોડા પછી રાજકોટમાં આ પ્રકારનો પ્રથમ વિભાગ શરૂ થયો છે.

વડાપ્રધાન મોદીના ‘સ્વચ્છ ભારત વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા તેમજ ‘સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટીક ફ્રી ગુજરાત’ ઝુંબેશ અંતર્ગત રાજકોટમાં તા. 8 થી 14-6 દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન માટે વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા શહેરના તમામ 18 વોર્ડ વિસ્તારોમાં વ્યાપક સફાઈ અને પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. આ અભિયાન અંતર્ગત સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ પ્રદ્યુમન પાર્ક ઝૂ બહાર શ્રમદાન કરી સફાઈ કામગીરી હાથ ધરી હતી અને લોકોને પ્લાસ્ટિકમુક્ત શહેર બનાવવા પ્રેરણા આપી હતી. આ વિશેષ સ્વચ્છતા અભિયાનમાં પદાધિકારીઓ, કોર્પોરેટરો, હોદ્દેદારો, અધિકારીઓ, કર્મચારીઓ, સફાઈ કામદારો તેમજ સ્થાનિક નાગરિકો જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, બગીચાઓ અને બજાર વિસ્તારોમાંથી પ્લાસ્ટિક કચરાનું સંગ્રહ કાર્ય હાથ ધરાયું હતું. ઝુંબેશ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતી પર્યાવરણીય હાનિ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા અંગે જાગૃતિ લાવી લોકોને કાપડની થેલીનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી. આ સપ્તાહ દરમિયાન રેલી, શપથવિધિ અને જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *