કામે જવાનું કહી ઘરેથી નીકળેલા યુવકનો રાવકીની ખાણમાંથી મૃતદેહ મળ્યો

રાજકોટ શહેરમાં બુધવારે રજાના દિવસે ઘરેથી કામે જવાનું કહીને નીકળેલા 25 વર્ષીય યુવકનો બીજા દિવસે રાવકી ગામ નજીક આવેલી એક ભરડિયાની ખાણના પાણીમાંથી ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ચકચારી કેસમાં મૃતક યુવાનનું પાકીટ અને મોબાઇલ ફોન તેના જ મિત્ર પાસેથી મળી આવ્યા હતા અને આ મિત્ર પણ ઘટનાસ્થળે ખાણ પાસે જ હાજર મળી આવતા રહસ્ય વધુ ઘેરાયું છે.

પરિવારે આક્ષેપ કર્યો છે કે, મિત્રએ જ લૂંટ ચલાવવાના બદઇરાદાથી યુવકને પાણીમાં ધક્કો મારીને મોતને ઘાટ ઉતાર્યો છે, જ્યારે પકડાયેલા મિત્રએ સાથે દારૂ પિતા હતા તે સમયે પગ લપસી જવાની કેફિયત રજૂ કરી છે. લોધિકા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને શંકાસ્પદ મિત્રને સકંજામાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે. વહાલસોયા એકના એક દીકરાના અકાળે અવસાનથી કમનસીબ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને ઘરમાં માતમ છવાઈ ગયો છે.

રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતા ચેતન શશીકાંત દેવગણીયા (ઉં.વ. 25) નામનો યુવાન બુધવારે રજાનો દિવસ હોવા છતાં પોતાના ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યો હતો. મોડીસાંજ સુધી ચેતન ઘરે પરત ન ફરતા અને તેનો મોબાઇલ ફોન સતત બંધ આવતો હોવાથી ચિંતાતુર બનેલા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. બીજા દિવસે શોધખોળ દરમિયાન ચેતનના પિતા અને અન્ય સગા-સંબંધીઓ રાવકી ગામ પાસે આવેલી એક ભરડિયાની ઊંડી ખાણ પાસે પહોંચ્યા હતા. ત્યાં ખાણના પાણીમાં ચેતનનો મૃતદેહ ડૂબેલી હાલતમાં તરતો હતો અને તેનું માથું બહાર દેખાતું હતું, જે જોઈને પિતા અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *