ઋતુચક્રના બદલાવમાં ટાઇમ ટેબલ આધારિત ખેતી જોખમી બની

ગુજરાત દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં આશરે 16% અને કૃષિ ઉત્પાદનમાં લગભગ 12% ફાળો આપે છે. રાજ્યની 51% જેટલી જમીન ખેતી હેઠળ છે અને GDPમાં કૃષિનો ફાળો 18.3% જેટલો છે. તેથી ક્લાઇમેટ ચેન્જની સીધી અસર રાજ્યની અર્થવ્યવસ્થા અને ખેડૂતોના જીવન પર પડી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ક્લાઇમેટ ચેન્જના કારણે ગુજરાતમાં કઠોળ, દીવેલા અને શાકભાજીના ઉત્પાદનમાં 50થી 60% સુધી ઘટાડો નોંધાયો છે. અચાનક વરસાદ, લાંબા સમય સુધી ગરમી અને વધતી ભેજને કારણે પાકોમાં રોગ-જીવાતનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે. હવામાનની વધતી અનિશ્ચિતતાને કારણે પરંપરાગત સમયપત્રક આધારિત ખેતી વધુ જોખમી બની રહી છે. આવનારા સમયમાં બદલાતા હવામાનને સમજીને વૈજ્ઞાનિક પદ્ધતિ, ટેક્નોલોજી અને સમયસર હવામાન માહિતીના આધારે ખેતી કરનાર ખેડૂતો જ વધુ સફળ અને સુરક્ષિત રહી શકશે.

તાપમાનમાં વધારો અને પાકો પર અસરો : ભારતમાં છેલ્લા 100 વર્ષમાં સરેરાશ તાપમાન 0.56 ડિગ્રી વધ્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ વર્ષ 2071થી 2100 દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 2.8થી 7.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3.8થી 5.2 ડિગ્રી સુધી વધી શકે છે, જ્યારે વરસાદમાં 15થી 101 ટકા સુધી વધારો થવાની સંભાવના છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદી ફેરફારો વધુ જોવા મળી શકે છે. આ હવામાન પરિવર્તનની અસરથી ઘઉંના ઉત્પાદનમાં 61%, ખરીફ મકાઈમાં 47%, ડાંગરમાં 32%, મગફળીમાં 24% અને બાજરીમાં 14% સુધી ઘટાડો થઈ શકે છે. વધતું તાપમાન પાણીની માંગ અને જીવાત-રોગનું પ્રમાણ વધારી શકે છે. IPCCના અંદાજ મુજબ વર્ષ 2080થી 2100 દરમિયાન ભારતમાં પાક ઉત્પાદનમાં 10થી 40% સુધી ઘટાડો થઈ શકે છે, જે ખાદ્ય સુરક્ષા માટે પડકારરૂપ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *