જસદણ શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક બલવીર દિનેશ ધાધલ નામના યુવક પર કુહાડી વડે હુમલો થયો છે. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, યુવકના માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. હુમલો કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવ્યો હતો.
આ હુમલો દીવાલના કામકાજ બાબતે થયેલા વિવાદને કારણે થયો હોવાનું જાણવા મળ્યું છે.
ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ઈજાઓની ગંભીરતા જોતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવાનો નિર્ણય લેવાયો.
ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.