બંગડીવાળા હાથોએ બદલી સુરતની તસવીર

બાંગ્લાદેશમાં ફેલાયેલી રાજકીય અસ્થિરતા અને અરાજકતાને કારણે વિશ્વની ટોચની 100થી વધુ ઇન્ટરનેશનલ ગારમેન્ટ બ્રાન્ડ્સે બાંગ્લાદેશને બદલે હવે સુરત પર પસંદગી ઉતારી છે. આ વૈશ્વિક પરિવર્તનને પગલે હાલ સુરતમાં 25,000 જેટલી આદિવાસી અને ગ્રામ્ય મહિલાઓ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના કપડાં તૈયાર કરી રહી છે.ખાસ વાત એ છે કે આ કપડાં પર ‘મેડ ઇન ઇન્ડિયા’ (Made in India)ના ગૌરવપૂર્ણ ટેગ સાથે પ્રાઈઝ ટેગ ભારતીય રૂપિયામાં નહીં, પરંતુ સીધા અમેરિકન ડોલરમાં લાગી રહ્યા છે.

બાંગ્લાદેશની અરાજકતા અને ભારતની સ્થિરતાથી સુરતને સીધો ફાયદો
છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશમાં સર્જાયેલી અશાંત પરિસ્થિતિ, હડતાળો અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં આવેલા વિક્ષેપને કારણે વિદેશી કંપનીઓ ભારત તરફ વળી છે. ડોલાટ કેપિટલના અહેવાલ મુજબ, ભારતના યુએઈ અને યુકે સાથેના મુક્ત વેપાર કરારો (FTA) અને અમેરિકાના ટેરિફ માળખામાં ફેરફારથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે નિકાસના નવા દ્વાર ખુલ્યા છે. કોઈપણ વિકસિત દેશ પોતાના અધિકારીઓને અરાજક દેશમાં મોકલવાનું જોખમ લેતો નથી, જ્યારે ભારતમાં રાજકીય સ્થિરતા અને શાંતિ હોવાથી વિદેશી પરચેઝ મેનેજરો સુરત આવીને મોટાપાયે ફેબ્રિક અને ગારમેન્ટ સોર્સિંગની પ્રક્રિયા તેજ કરી રહ્યા છે.

વોલમાર્ટથી લઈને એરોપોસ્ટેલ સુધીની 100થી વધુ બ્રાન્ડ્સ સુરતમાં
આ વૈશ્વિક શિફ્ટ અંગે વાત કરતાં સુરતના લક્ષ્મીપતિ ગ્રુપના ચેરમેન સંજય સરાવગીએ જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશમાં અરાજકતાની પરિસ્થિતિ હોવાથી વિશ્વની મોટી ગારમેન્ટ કંપનીઓ ભારત તરફ આશાભરી નજરે જોઈ રહી છે. સુરતમાં અત્યાર સુધીમાં લગભગ 100થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ આવી ચૂકી છે, જેમાં અમેરિકન બ્રાન્ડ્સ સૌથી વધુ છે. તેમાં વોલમાર્ટ, એડ હાર્ડી, એરોપોસ્ટેલ, મેક્સ દુબઈ ઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને પોલેન્ડની સિન્સે જેવી કંપનીઓ સામેલ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “ગામડાની એક આદિવાસી મહિલા આજે અમેરિકાની મોટામાં મોટી બ્રાન્ડ માટે સિલાઈ કરી રહી છે, તે આપણા સૌ માટે અત્યંત ગૌરવની વાત છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *