રાજકોટ મહાનગરપાલિકામાં નવનિયુક્ત શાસકોની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે યોજાનાર છે. જેમાં શહેરના વિકાસની 20 જેટલી દરખાસ્તો પર ચર્ચા વિચારણા કરીને મંજૂરીની મહોર મારવામાં આવશે. આ બેઠકમાં ખાસ કરીને રાજકોટના હાર્દસમા રેસકોર્સ રીંગ રોડને આકર્ષક રોશનીથી ઝળહળતો કરવા માટે રૂ. 2.30 કરોડનો ખર્ચ કરવાની દરખાસ્ત કમિશ્નર દ્વારા મુકવામાં આવી છે. જેનાથી રેસકોર્સ રીંગ રોડ પર કાયમ દિવાળી કાર્નિવલનો માહોલ જોવા મળશે. ઉપરાંત પારડી રોડ પર નવો અત્યાધુનિક કોમ્યુનિટી હોલ બનાવવા તેમજ સ્ટાફ ક્વાર્ટર્સ સાથેનું નવું ફાયર સ્ટેશન ઊભું કરવા સહિતના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ અંગે નિર્ણય લેવામાં આવશે.
રાજકોટનું હૃદય ગણાતા અને હજારો શહેરીજનોની અવરજવરથી ધમધમતા રેસકોર્સ રીંગ રોડને વધુ સુંદર અને આકર્ષક બનાવવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. રેસકોર્સ રીંગ રોડ પર ફરવા આવતા નાગરિકોને કાયમ માટે દિવાળી કાર્નિવલ જેવો જ ભવ્ય અને ઉત્સાહજનક અનુભવ થાય તે માટે રીંગ રોડની ફરતે કાયમી ધોરણે ડેકોરેટીવ લાઇટીંગ સિસ્ટમ ગોઠવવાનું નક્કી કરાયું છે. આ આખી સિસ્ટમની એસઆઇટીસી (સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ) કામગીરી માટે તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
પ્રથમ તબક્કે યોજાયેલી ટેન્ડર પ્રક્રિયામાં કુલ 4 એજન્સીઓએ રસ દાખવીને પોતાની બીડ સબમિટ કરી હતી. જોકે, ટેકનિકલ સ્ક્રુટિની દરમિયાન આ તમામ એજન્સીઓ ટેકનિકલ બીડ ઇવેલ્યુએશનમાં ડિસ્કવોલિફાઇ એટલે કે ગેરલાયક ઠરી હતી. આ પરિસ્થિતિને કારણે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે શોર્ટ ટર્મ રીટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રીટેન્ડરમાં મુખ્ય બે એજન્સીઓએ પોતાના ભાવો રજૂ કર્યા છે. જે અંતર્ગત અમદાવાદની ફોકસ લાઇટીંગ્ & ફીચર્સ દ્વારા રૂ. 2,88,48,953 અંદાજિત ખર્ચ સામે 2,45,75,900ની બીડ રજૂ કરવામાં આવી હતી.