રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને આપવામાં આવતા ભોજનની થાળીમાંથી જીવાત નીકળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને દર્દીઓની સુરક્ષા તેમજ ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ વીડિયોમાં રસોડામાં સ્વચ્છતા વચ્ચે સડેલા બટેટા જોવા મળ્યા હતા. દર્દીના સગાએ અપૂરતી સુવિધાનો આરોપ લગાવ્યો હતો, જોકે રસોડામાં ફરજ બજાવતા ડાયટિશિયને ભોજનમાં કોઈ બેદરકારી હોવાના આરોપો ફગાવ્યા હતા.
વિડિયો વાયરલ કરનાર દર્દીના સગા અમિત રાઠોડે જણાવ્યું હતું કે, તેમના બનેવી કૌશિકભાઈ સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વોર્ડમાં સારવાર હેઠળ દાખલ છે. 25 સપ્ટેમ્બરના રોજ બપોરે દર્દીને આપવામાં આવેલા ભોજનની થાળીમાં ધનેડા જેવી જીવાત જોવા મળી હતી. આ અંગે નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટરના કહેવાથી તેમણે આરએમઓ (RMO) સમક્ષ લેખિત ફરિયાદ પણ નોંધાવી હતી.
અમિત રાઠોડે વધુમાં ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, હોસ્પિટલમાં સારવાર સારી મળે છે પરંતુ પાયાની સુવિધાઓનો ભારે અભાવ છે. દર્દીઓ માટે સ્ટ્રેચર અને વ્હીલચેર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ નથી. આ સિવાય તેમણે મનપાના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગને ફોન કરીને જાણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો. જ્યારે ડૉ. વાંકાણી સાથે વાત થઈ ત્યારે તેમણે તુરંત સ્થળ તપાસ કરવાને બદલે ‘નિયમ મુજબ ચેકિંગ થાય છે’ એવો ઔપચારિક જવાબ આપ્યો હતો.