ઉનાળાની શરૂઆતમાં 28,277 ફ્લેટ ધારકો ટેન્કરના ભરોસે, તાત્કાલિક નળ કનેક્શન આપવા માંગ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના દરેક ખૂણે ‘નલ સે જલ’ યોજના હેઠળ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આ દાવાઓની પોકળતા છતી થઈ છે. સ્માર્ટ સિટી તરફ ગતિ કરી રહેલા રાજકોટમાં આજે પણ હજારો નાગરિકોએ પાણીના એક-એક ટીપા માટે ટેન્કરની પ્રતીક્ષા કરવી પડી રહી છે.

તંત્ર દ્વારા ભલે આજી – ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવીને જળાશયો છલકાવવામાં આવ્યા હોય, પરંતુ વિતરણ વ્યવસ્થામાં રહેલી ગંભીર ખામીઓને કારણે છેવાડાના વિસ્તારોમાં રહેતા 28,277 થી વધુ ફ્લેટ ધારકો અત્યારે સંપૂર્ણપણે ટેન્કરના ભરોસે રહેવા મજબુર છે. આ સોસાયટીઓએ તાત્કાલિક નળ કનેક્શન આપવા માંગ ઉઠાવી છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં વેસ્ટ ઝોન તેમજ ઈસ્ટ ઝોનના અનેક વિસ્તારોમાં જળ સંકટ એટલું ઘેરું બન્યું છે કે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાઈરાઈઝ્ડ બિલ્ડિંગોમાં ભૂગર્ભ જળસ્તર ઐતિહાસિક રીતે નીચે ઉતરી ગયા છે, જેના કારણે વર્ષો જૂના બોર હવે ડુકી ગયા છે. જે વિસ્તારોમાં બોર કાર્યરત છે, ત્યાં પણ પ્રદૂષિત અને ક્ષારયુક્ત પાણી આવતું હોવાથી તે પીવાલાયક રહ્યું નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આવાસ યોજનાઓમાં પણ જ્યારે ‘નલ સે જલ’ જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ ન હોય, ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, અમે નિયમિત વેરો ભરીએ છીએ છતાં પણ અમારે પાણી માટે ખાનગી કે સરકારી ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે, જે અત્યંત શરમજનક બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *