13 વર્ષના ભાણેજને અશ્લીલ ફોટા બતાવી શારીરિક અડપલાં કર્યાં; બે સગાં માસી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ

શહેરના મોટામવા વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં 13 વર્ષના સગીર પુત્ર સાથે તેની જ બે સગી માસીઓએ અશ્લીલ હરકતો કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના નાસિકમાં રહેતા ભોગ બનનારના પિતાએ ઝીરો નંબરથી નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પુત્રની બે સગી માસીના નામ આપ્યા છે.

કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી, તેમના પત્ની અને પુત્ર અગાઉ નાસિકમાં સાથે રહેતા હતા. એક વર્ષ પહેલાં દંપતી વચ્ચે માથાકૂટ થતા ફરિયાદીની પત્ની પુત્રને લઇ રાજકોટ પિયર આવતી રહી હતી. જૂન 2025થી માર્ચ 2026 દરમિયાન જ્યારે સગીર તેની માતા સાથે રાજકોટમાં મોટામવા વિસ્તારમાં રહેતો હતો, ત્યારે બે માસીઓએ તેનો ગેરફાયદો ઉઠાવ્યો હતો. જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે આ મહિલાઓ સગીરને મોબાઇલમાં નગ્ન યુવતીઓના ફોટા બતાવી તેને ભોળવતી હતી. એટલું જ નહીં, તેની ઈચ્છા વિરુદ્ધ ગુપ્ત ભાગોએ અડપલાં કરી તેને શારીરિક રીતે હેરાન કરવામાં આવતો હતો.

ધમકી આપીને ચુપ રખાયો

ભોગ બનનાર સગીરે જ્યારે વિરોધ કર્યો ત્યારે તેને અને તેની માતાને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હતી. સગીરે રડતાં રડતાં પોતાની માતાને આપવીતી કહી હતી, પરંતુ માતાએ ‘તું નાનો છે, માસી પ્રેમ કરે છે’ તેમ કહીને ગંભીરતા લીધી નહોતી. આખરે કંટાળેલા સગીરે મહારાષ્ટ્રમાં નાસિક ખાતે રહેતા તેના પિતાને ફોન કરી ‘મને અહીંથી લઈ જાવ’ એવી વાત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસે સગીરના પિતાની ફરિયાદ પરથી તેમના બન્ને માસી વિરુદ્ધ BNSની કલમ 351(2), 115 અને પોક્સો એક્ટની કલમ 8, 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ મથકના પીઆઇ સેજલ મેઘાણીએ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *