ધોરાજી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય માહોલ તો દિવસેને દિવસે ગરમાતો જઇ રહ્યો છે, પરંતુ આ વખતે ચૂંટણીમાં માત્ર રાજકીય સમીકરણો જ નહીં, પરંતુ ખેડૂતોના પ્રશ્નો પણ કેન્દ્રસ્થાને આવી ગયા છે. દર વર્ષે સિંચાઇ સમયે જ વીજળી અપાતી ન હોવાથી ખેડૂતો પાણી હોવા છતાં પાણ કરી શકતા નથી કે ધારી ઉપજ લઇ શકતા નથી.
ધોરાજી તાલુકાના ખેડૂત જયેશભાઈ , પારસભાઈ , દિનેશભાઈ વિગેરે ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી સતત વધી રહી છે,જેના કારણે ઘરખર્ચ સંભાળવો મુશ્કેલ બન્યો છે. બીજી તરફ બેરોજગારીનો પ્રશ્ન પણ ગામડાઓમાં ગંભીર બની રહ્યો છે.
જેના કારણે યુવાનો સાથે સાથે ખેડૂતો પણ આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ એવી વીજળી પણ તેમને નિયમિત મળતી નથી. ખેતરમાં સિંચાઈ માટે જરૂરી સમયે વીજ પુરવઠો ન મળતા પાકને નુકસાન થઈ રહ્યું છે.
ઘણીવાર અડધી રાત્રે કે અનિયમિત સમયે વીજળી મળતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સાથે જ ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ મુજબ તેમની ખેતીની ઉપજને યોગ્ય કિંમત મળતી નથી. બજારમાં પાક વેચવા જતા ખેડૂતોને ઓછી કિંમત મળતા તેઓને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.