ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ ખેંચાયુ છે. આજે 16 જૂને પણ નૈઋત્ય ચોમાસાના કોઈ એંધાણ ન હોવાથી ચિંતા વધી છે. ખાસ કરી રાજકોટવાસીઓ ઉપર પીવાના પાણીની ચિંતાના વાદળો ઘેરાયા છે, કારણ કે મોટાભાગે સૌની યોજનાથી ભરાતા આજી-1 અને ન્યારી-1માં જળસંગ્રહ હવે ખુબ જ ઘટી જવા પામ્યો છે. રાજકોટ માટે દૈનિક બંન્ને ડેમમાંથી 6થી 8 MCFT પાણી ઉપાડાય છે. રાજકોટ સિંચાઈ વિભાગના સુત્રો મુજબ, આજની સ્થિતિએ આજી-1 ડેમમાં માત્ર 41 ટકા અને ન્યારી-1 ડેમમાં પણ 29 ટકા જ જળસંગ્રહ બચ્યો છે.
મહાનગરપાલિકાએ સપ્તાહ અગાઉ જ આજી-1 અને ન્યારી-1 માટે વધુ 800 એમસીએફટી નર્મદા નીર સૌની યોજના અંતર્ગત માંગ્યા છે. સિંચાઈ વિભાગે મનપાની ડિમાન્ડના પગલે ગત 10 જુનના રોજ જ નર્મદા વિભાગ પાસે પાણી છોડવા દરખાસ્ત કરી દીધી છે. જોકે આજ દિવસ સુધી નર્મદા વિભાગે મંજૂરી આપી નથી. હાલ બન્ને ડેમોમાં માસાંત સુધી જ ચાલે તેટલો જળ જથ્થો બચ્યો હોવાથી તાત્કાલિક પાણી છોડવું જરૂરી બન્યું છે. જો તાત્કાલિક પાણી છોડી દેવાય તો જુલાઈ સુધી પીવાના પાણીની જરૂરીયાત સંતોષાઈ જશે. બાકી જળસંકટ વધારે ઘેરું બનવાની શક્યતા છે.
રાજકોટ-ગોંડલ હાઇવે પર છેલ્લા 2 વર્ષથી વાહનચાલકો ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાનો અંત લાવવા આગામી 20 દિવસમાં પારડી ગામ અને કોરાટ ચોકડી પરના ડાઈવર્ઝન સંપૂર્ણ ખુલ્લા મુકી દેવામાં આવશે. સાંસદ પરસોતમ રુપાલા અને ધારાસભ્ય રમેશ ટીલાળાએ હાઇવે ઓથોરીટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજીને ગોંડલ હાઈવેના પુલ સહિતના વિકાસ કામોની સમીક્ષા કરી હતી.