રાજકોટના જામનગર રોડને જોડતા સાંઢીયા બ્રિજનું નિર્માણ થઈ જતા વાહન ચાલકોને તો રાહત થઈ જ છે, પરંતુ તેની સાથે મોરબી અને જામનગરની ST બસના ભાડામાં ઘટાડો થતાં મુસાફરોને ફાયદો થયો છે.
રાજકોટથી મોરબી જતી લોકલથી વોલ્વો સુધીની બસનું ભાડું રૂ.3થી રૂ.14 સુધી ઘટ્યું છે, જ્યારે રાજકોટથી જામનગર જતી એસટી બસના ભાડામાં રૂ.3 થી રૂ.16 નો ઘટાડો થયો હોવાનું એસટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ – જામનગર રોડને જોડતા સાંઢીયા પુલનું રૂ.74.32 કરોડના ખર્ચે નવીનીકરણ કરવા માટે ગત તા.7 માર્ચ,2024ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મે, 2024થી આ બ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે 13 જૂન,2026 એટલે કે 2 વર્ષ બાદ આ બ્રિજનું નિર્માણ થઈ જતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
બ્રિજ બંધ હતો ત્યારે એસટી બસને 4 કિલોમીટર ફરીને અવરજવર કરવી પડતી હતી. જેને કારણે રાજકોટથી મોરબી અને જામનગર જતી લોકલથી લઈ વોલ્વો બસના ભાડામાં રૂ.3 થી રૂ.16 નો વધારો થયો હતો પરંતુ હવે બ્રિજ ખૂલ્લો મુકાઈ જતા એસટી બસ ત્યાંથી આવી શકે છે અને તેથી મુસાફરોને ભાડામાં રાહત થઈ છે.