અમદાવાદ એરપોર્ટ પર બુધવારે સાંજે એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ. એર ઇન્ડિયા અને ઇન્ડિગોના બે વિમાન એક જ ટેક્સીવે (રનવેનો એક ભાગ) પર સામસામે આવી ગયા. જોકે, બંને વિમાનોને સમયસર રોકી લેવામાં આવ્યા.
સૂત્રો અનુસાર, મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી. આ દરમિયાન મુંબઈથી અમદાવાદ પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે પાર્કિંગ બે (Parking Bay) તરફ જતી વખતે ભૂલથી ખોટો વળાંક લીધો અને તે ટેક્સીવે પર પહોંચી ગઈ, જ્યાં ઇન્ડિગોનું વિમાન હાજર હતું.
બંને વિમાનો વચ્ચે લગભગ 200 મીટરનું જ અંતર રહી ગયું હતું. બાદમાં એર ઇન્ડિયાના વિમાનને ટૉ કરીને યોગ્ય પાર્કિંગ બે સુધી લઈ જવામાં આવ્યું. આ પછી ઇન્ડિગોનું વિમાન રનવે પર પહોંચ્યું.
એર ઇન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે 24 જૂને મુંબઈથી અમદાવાદ પહોંચેલી ફ્લાઇટ AI-2493 લેન્ડિંગ પછી ટેક્સીંગ દરમિયાન અજાણતા ખોટી દિશામાં વળી ગઈ હતી. એરલાઇને જણાવ્યું હતું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા સાથે કોઈ સમાધાન થયું નથી. બાદમાં વિમાનને ટો કરીને યોગ્ય પાર્કિંગ બે સુધી લઈ જવામાં આવ્યું હતું.
ઇન્ડિગોએ કહ્યું – વિમાન હટાવ્યા પછી રવાના થયા
ઇન્ડિગોએ જણાવ્યું કે તેની ફ્લાઇટ 6E-5160 અમદાવાદથી મુંબઈ જવા માટે ટેક્સીંગ કરી રહી હતી. ત્યારે બીજી એરલાઇનનું વિમાન ખોટી દિશામાં આવી ગયું. એરલાઇન મુજબ, બંને વિમાનોને સુરક્ષિત અંતરે રોકી દેવામાં આવ્યા. આ પછી એર ઇન્ડિયાના વિમાનને હટાવવામાં આવ્યું અને ઇન્ડિગોની ફ્લાઇટ સુરક્ષિત રીતે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે પહોંચી ગઈ.
એર ઇન્ડિયાએ જણાવ્યું કે ઘટનાની જાણકારી વિમાનન નિયમનકારી અધિકારીઓને આપી દેવામાં આવી છે અને મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.