રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની 12 બેઠકોની ચૂંટણી માટે આવતીકાલે 30 તારીખે સવારે 11 થી 2 વાગ્યા દરમિયાન મેયર અને ચૂંટણી અધિકારી ડો. નેહલ શુકલ સમક્ષ ફોર્મ રજુ કરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસના કુલ 12 ઉમેદવારો ફોર્મ ભરે તેવી શક્યતા છે. મનપાના કુલ 72 કોર્પોરેટરો આ ચૂંટણીમાં મતદાન કરી શકે છે, જેમાં એક ઉમેદવારને જીતવા 6 કોર્પોરેટરના સમર્થનની જરૂર હોય છે. હાલની સ્થિતિએ ભાજપ પાસે 65 અને કોંગ્રેસ પાસે 7 કોર્પોરેટરનું સંખ્યાબળ છે. આ ગણતરી મુજબ ભાજપને 11 અને કોંગ્રેસને 1 બેઠક સરળતાથી મળે તેમ છે.
જો ભાજપ 11 ઉમેદવાર ઊભા રાખે તો સમિતિ સમરસ થશે, પરંતુ જો ભાજપ 12 બેઠકો પર ફોર્મ ભરાવશે તો ચૂંટણી યોજાશે. ભાજપે સ્નાતક ઉમેદવાર અને સરેરાશ 62 વર્ષની વયમર્યાદા જેવી ગાઇડલાઇન નક્કી કરી અને પ્રદેશમાં 35 નામો મોકલ્યા છે. બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાના જણાવ્યા મુજબ કોંગ્રેસે પણ 24 કાર્યકરોની યાદી પ્રદેશ હાઈકમાન્ડને મોકલી છે. ચૂંટણી પ્રક્રિયામાં 1 થી 12 પ્રેફરન્સ મત આપવાના રહેશે, જેમાં સૌથી વધુ પ્રથમ ક્રમ મેળવનાર ઉમેદવાર વિજેતા બનશે. બંને પક્ષ ઉમેદવારોનાં નામની જાહેરાત ક્યારે કરે છે તેના પર સૌની નજર છે.
ગાંધી જયંતી નિમિત્તે કતલખાના બંધ અને 12 વર્ષ સુધીના બાળકોને મ્યુઝિયમમાં મફત પ્રવેશ
આગામી 2 ઓક્ટોબર ગાંધી જયંતીના પવિત્ર અવસરે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ કતલખાનાઓ સંપૂર્ણ બંધ રાખવા તથા માંસ, મટન, મચ્છી અને ચિકનના વેચાણ પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા મુજબ નિયમનો ભંગ કરનાર સામે જીપીએમસી એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરાશે. બીજી તરફ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ (આલ્ફ્રેડ હાઇસ્કૂલ) ખાતે 2 ઓક્ટોબરે 12 વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે.