શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 4 કરોડની ઠગાઈ

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ હિંમતનગર વિસ્તારમાં રહીને એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા 32 વર્ષીય યુવક મીતેષપરી ગોસાઈ સાથે શેરબજારમાં ટ્રેડિંગ કરી મસમોટો નફો કમાઈ આપવાની લાલચ આપી ₹4,12,33,665ની છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે પીડિત યુવકે રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખા (EOW)માં મહારાષ્ટ્રના નાસિકના મુખ્ય આરોપી નરેશ સેવકરામાણી અને અન્ય બેંક ખાતાધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ફરિયાદીએ કુલ ₹6.35 કરોડથી વધુ રકમ જમા કરાવી હતી
બનાવની વિગતો મુજબ, વર્ષ 2021માં ફરિયાદીનો સંપર્ક સોશિયલ મીડિયા થકી આરોપી સાથે થયો હતો. શરૂઆતમાં વિનામૂલ્યે ટ્રેડિંગ શીખવવાની ખાતરી આપી નાનું રોકાણ કરાવ્યા બાદ, વર્ષ 2024માં મિત્ર વર્તુળ પાસેથી નાણાં મેળવી મોટા પાયે રોકાણ શરૂ કરાવ્યું હતું. આરોપીએ ‘હેલો ટ્રેડર્સ’ નામની ટ્રેડિંગ વેબસાઈટની લિંક આપી સિદ્ધિ વિનાયક એન્ટરપ્રાઈઝ, પેસિફાય ઈન્ફ્રા સહિતની નકલી પેઢીઓના બેંક ખાતા અને ક્યુઆર કોડમાં રકમ જમા કરાવી હતી. વર્ષ 2024થી ફેબ્રુઆરી 2026 દરમિયાન ફરિયાદીએ કુલ ₹6.35 કરોડથી વધુ રકમ જમા કરાવી હતી, જેમાંથી આરોપીઓએ વળતર રૂપે ₹4.23 કરોડથી વધુ પરત આપ્યા હતા.

આરોપીએ ટ્રેડિંગ લિંક અને ફોન ઉપાડવાનું બંધ કર્યું
ગત 2 ફેબ્રુઆરી 2026ના રોજ ફરિયાદીએ પોતાની બાકી મૂળ મૂડી ₹2.12 કરોડ તથા નફાના ₹2 કરોડ મળી કુલ ₹4.12 કરોડ વિથડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સાઈટ પર એરર આવવા લાગી હતી. આરોપીએ એક-બે દિવસમાં નાણાં ચૂકવવાની ખાતરી આપી ટ્રેડિંગ લિંક સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં ફરિયાદીએ EOW મથકે ફરિયાદ નોંધાવતા પી.આઈ. ડી.એમ.હરીપરાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *