દેહવ્યાપારના અડ્ડામાંથી યુવતીને મુક્ત કરાવાઈ

રાજકોટ શહેરમાં દેહવ્યાપારના દૂષણ સામે લાલ આંખ કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ (AHTU)ની ટીમે છેલ્લા પાંચ દિવસમાં ચોથો સફળ દરોડો પાડીને નવા 150 ફૂટ રિંગ રોડ પર અટલ સરોવર સામે આવેલ વર્ધમાનનગરમાં કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. મકાનમાંથી બહારથી યુવતીઓ બોલાવી પરિવાર દ્વારા જ ચલાવવામાં આવતા આ સેક્સ રેકેટમાં પતિ, પત્ની અને પુત્ર ત્રણેય સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુખ્ય આરોપી ગ્રાહકો પાસેથી ₹1500 વસૂલતો
પોલીસને વર્ધમાનનગર શેરી નં.17માં આવેલ ‘મંગલમ’ નામના મકાનમાં દેહવ્યાપાર ચાલતો હોવાની ચોક્કસ બાતમી મળતાં ડમી ગ્રાહક મોકલી અચાનક દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન મકાન માલિક પ્રફુલ ચીમનભાઈ જાદવ, તેનો પુત્ર યશ અને પ્રફુલની પત્ની દર્શનાબેન હાજર મળી આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી પ્રફુલ ગ્રાહકો પાસેથી ₹1500 વસૂલીને ₹500 લલનાને આપતો અને ₹1000 કમિશન રાખતો હતો. તેનો પુત્ર યશ ગ્રાહકો માટે અન્ય સુવિધાઓ ગોઠવતો હતો જ્યારે પત્ની દર્શનાબેન મકાનના પ્રથમ માળે અલાયદા રૂમની વ્યવસ્થા કરી આપતી હતી.

દરોડા દરમિયાન પોલીસે કૂટણખાનામાંથી એક યુવતીને મુક્ત કરાવી હતી. તેમજ સ્થળ પરથી રોકડા ₹19,640 તથા ₹10,000ની કિંમતના 2 મોબાઈલ મળી કુલ ₹29,640નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ધ ઈમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્શન એક્ટની કલમ 3, 4 અને 5 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *