સુરતના ડુમસ બીચ પર ફરી એકવાર ડૂબી જવાની દુર્ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાંથી મિત્રો સાથે ફરવા આવેલા બે યુવકો ગણેશ મંદિર પાછળ દરિયાના પાણીમાં નહાવા પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવકોની શોધખોળ હાથ ધરી છે.
ચાર મિત્રો ફરવા આવ્યા હતા, બે દરિયામાં ગરકાવ થયા
ઉધના રોડ નંબર 12 પર રહેતા 15થી 20 વર્ષના ચાર મિત્ર આજે સાંજના સમયે ડુમસ ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ઝીયાન કુરેશી અને તેનો મિત્ર ઈકબાલ શેખ ડુમસ દરિયા કિનારે આવેલા ગણેશ મંદિરના પાછળના ભાગે દરિયામાં નહાવા ઉતર્યા હતા. નહાતી વખતે અચાનક બંને યુવાનો ઊંડા પાણીમાં ખેંચાઈને ડૂબવા લાગ્યા હતા.
સ્થાનિકોએ બચાવવા પ્રયાસ કર્યો પણ સફળતા ન મળી
બંને યુવકોને ડૂબતા જોઈ આસપાસના સ્થાનિક લોકોની નજર તેમના પર પડી હતી. સ્થાનિકોએ તાત્કાલિક તેમને બચાવવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ દરિયાના મોજા અને ઊંડા પાણીને કારણે બંનેની કોઈ ભાળ મળી શકી નહોતી. તેમના અન્ય મિત્રો કિનારે હાજર હતા અને સમગ્ર ઘટનાને પગલે ભારે શોકનો માહોલ સર્જાયો હતો.
ફાયર બ્રિગેડ દ્વારા લાઈફ જેકેટ અને રિંગ બોયાની મદદથી રેસ્ક્યુ શરૂ
બનાવ સંદર્ભે ફાયર બ્રિગેડને કોલ મળતાં જ ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ લાઈફ જેકેટ અને રિંગ બોયાની મદદથી દરિયામાં ઉતરીને બંને યુવાનોની સઘન શોધખોળ શરૂ કરી છે.