એર ઇન્ડિયાએ પસંદગીના ઘરેલુ રૂટ્સ પર નવી ‘બેઝિક’ ભાડા શ્રેણી શરૂ કરી છે. જેના હેઠળ મુસાફરોને ઓછી કિંમતે મુસાફરી કરવાનો વિકલ્પ મળશે. ઇકોનોમી ક્લાસ ટિકિટમાં મફત ભોજન સામેલ નહીં હોય, જોકે મુસાફરોને મફત ચા કે કોફી આપવામાં આવશે.
એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું કે આ ભાડાને હાલમાં ટ્રાયલ બેઝિસ પર શરૂ કરવામાં આવ્યું છે, જે એવા મુસાફરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે જેઓ ઓછા ખર્ચે મુસાફરી કરવા માંગે છે.
લગેજ માટે 15 કિલોગ્રામની મર્યાદા મળશે
એર ઇન્ડિયાની આ નવી ‘બેઝિક’ ભાડા કેટેગરી પસંદ કરનારા મુસાફરો માટે સામાન લઈ જવાના નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે.
આ કેટેગરી હેઠળ મુસાફરી કરનારા પેસેન્જર્સ પોતાની સાથે 15 કિલોગ્રામ સુધીનો ચેક-ઇન બેગેજ લઈ જઈ શકશે.
આ ઉપરાંત, તેમને 7 કિલોગ્રામ સુધીનો કેબિન બેગેજ પોતાની સાથે એરક્રાફ્ટની અંદર લઈ જવાની મંજૂરી હશે.
ભલે આ બેઝિક ભાડામાં મફત ભોજન સામેલ નથી, પરંતુ મુસાફરો પાસે ભોજન ખરીદવાનો વિકલ્પ રહેશે. બેઝિક ફેર બુક કરનારા મુસાફરો ફ્લાઇટ ઉપડવાના 24 કલાક પહેલા સુધી પોતાના માટે ભોજન પ્રી-પર્ચેઝ કરી શકે છે.
મુસાફરોને ભોજન માટે વેજિટેરિયન, નોન-વેજિટેરિયન, જૈન અને ડાયાબિટીક મીલ્સના વિકલ્પો પણ આપવામાં આવશે.
ફ્લાઇટ રી-શેડ્યૂલ થવા પર રિફંડ અથવા ટ્રાન્સફરની સુવિધા
એર ઇન્ડિયાએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભોજનના રિફંડ અને ટ્રાન્સફર અંગેના નિયમો પણ સ્પષ્ટ કર્યા છે. એરલાઇન મુજબ, જો ફ્લાઇટના શેડ્યૂલમાં કોઈ ફેરફાર થાય છે અથવા મુસાફરને બીજી ફ્લાઇટમાં શિફ્ટ કરવામાં આવે છે, તો મુસાફર દ્વારા અગાઉથી ખરીદેલું ભોજન નવી ફ્લાઇટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો કોઈ પરિસ્થિતિમાં ભોજન ઉપલબ્ધ ન હોય, તો મુસાફરને તેના પૈસા રિફંડ કરવામાં આવશે.