ઈન્ડિયા-A અને અફઘાનિસ્તાન-A વચ્ચેની આ મેચ આજે સવારે 10 વાગ્યાથી શ્રીલંકાના સ્ટેડિયમમાં શરૂ થશે. શ્રીલંકા-A સામેની છેલ્લી વિવાદાસ્પદ અને રોમાંચક મેચમાં સુપર ઓવરમાં મળેલી હાર બાદ ભારતીય ટીમ આ મેચમાં જોરદાર કમબેક કરવા માટે તૈયાર છે. આ ટ્રાઈ નેશન વન-ડે સિરીઝની આખરી મેચ તરફ વધતા ભારત માટે આ છેલ્લી લીગ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.
અફઘાનિસ્તાન-A સામે બદલો લેવાની તક
આ સિરીઝમાં બંને ટીમ જ્યારે છેલ્લે આમને-સામને આવી હતી, ત્યારે રોમાંચક મેચમાં અફઘાનિસ્તાન-A ટીમે ઈન્ડિયા-Aને 4 રને હરાવ્યું હતું. આ હારનો બદલો લેવા અને સિરીઝનો અંત જીત સાથે કરવા માટે ભારતીય ટીમ આવતીકાલે મેદાન પર પૂરી તાકાત લગાવશે.
ભારતના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી માટે આ સિરીઝ ઠીક-ઠાક રહી છે. તેણે કેટલીક ઇનિંગ્સમાં શાનદાર સ્ટાર્ટ આપ્યો છે અને પાવરપ્લેમાં પોતાની આક્રમક બેટિંગની ઝલક બતાવી છે, પરંતુ તે મોટી ઇનિંગ્સ રમીને સ્કોરને સદી કે ફિફ્ટીમાં પણ કન્વર્ટ કરવામાં સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. આ ઉપરાંત, છેલ્લી મેચમાં શ્રીલંકન ખેલાડી સાથે થયેલા વિવાદ બાદ વૈભવ દબાણ હેઠળ હશે, જેથી તે આજની મેચમાં બેટથી મોટો સ્કોર બનાવીને ટીમને જીત અપાવવા ઉત્સુક રહેશે.