રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત વોંકળા સફાઇના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે. શાસકો અને અધિકારીઓ ફિલ્ડ વિઝિટના નામે ફોટો સેશન કરાવીને સંતોષ માની લે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન જુદી અને આઘાતજનક છે. રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે પ્રિ-મોન્સુન કામગીરી 80% પુર્ણ થઇ હોવાનું દેખાડવામાં આવ્યું છે, પણ શહેરના હૃદય સમાન અને ખુદ મેયર ડો. નેહલ શુકલના વોર્ડ નં. 7માં આવેલા રજપુતપરા વિસ્તારમાં સ્થિતિ અત્યંત દયનીય છે.
આ વિસ્તારમાં આવેલો રાજકોટનો સૌથી મહત્વનો ગણાતો મુખ્ય વોંકળો ગંદકી, કચરો અને પ્લાસ્ટિકના ગંજથી ખદબદી રહ્યો હોય સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસામાં પાણી ભરાવાનો ભય હોવાથી આ વિસ્તારનાં નાગરિક દ્વારા ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી. જોકે જવાબમાં પ્રથમવાર તેમને કમ્પ્લેઇન સોલ્વ થયાનું અને બીજીવાર લેખિત ફરિયાદ કરવાનું જણાવાતા અને મેયરને લખેલા પત્રનો કોઈ જવાબ નહીં મળતા સ્થાનિકોએ જાતે જ સફાઈ કરવાની તૈયારી શરૂ કરી છે.
સ્થાનિક રહેવાસી અને જાગૃત નાગરિક ડો. સંજય રાજગુરુએ જણાવ્યું હતું કે, વોંકળામાં ગંદકીના થર જામી ગયા છે અને આશરે 20 ફૂટ જેટલો કચરો ખડકાયેલો છે. આ ભયંકર ગંદકીના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઇ રહી છે. એટલું જ નહીં, આ ગંદકીના ગંજ હવે મચ્છરોના ઉત્પત્તિ કેન્દ્રો બની ગયા છે, જેના કારણે સ્થાનિક બાળકો, યુવાનો અને વૃદ્ધો મોટા પાયે બીમારીનો ભોગ બની રહ્યા છે. વળી, વોંકળામાં મોટા પાયે ગેરકાયદેસર દબાણો થઇ ગયા હોવાના કારણે વરસાદી પાણીના વહેણ સંપૂર્ણપણે અટકી ગયા છે.