રાજ્યભરના વાલીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. CNGમાં ભાવમાં સતત વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
વર્ષ 2024માં છેલ્લે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વાલીઓ પર મોંઘવારીનો માર ન પડે તે માટે આગામી ત્રણ વર્ષ સુધી ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં નહીં આવે. વર્ષ 2027માં જ ભાડામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2024 માં ભાડામાં વધારો કરાયો ત્યારે CNG નો ભાવ 76 રૂપિયા હતો. પરંતુ જે બાદ CNG ના ભાવમાં સતત વધારો નોંધાયો છે. જ્યારે અત્યારે CNG ના ભાવ 88 રૂપિયા પહોંચી ગયા છે.
રાજ્યભરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાંની સાથે જ આજ રોજ, 8 જૂનને સોમવારથી તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2026-27નો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા બે મહિનાથી શાંત પડેલા શાળાઓના પરિસર અને વર્ગખંડો ફરી એકવાર વિદ્યાર્થીઓની ભીડ અને કિલ્લોલથી જીવંત બન્યા છે. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં એક અનોખો ઉત્સાહ, ઉમંગ અને નવી આશાઓનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતભરમાં આજે અંદાજીત લાખો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શાળાએ જઈને પોતાના નવા ધોરણના અભ્યાસની શરૂઆત કરી છે.