ગોંડલ પંથકમાં કૌટુંબિક ઝઘડાની અદાવતમાં એક 13 વર્ષના નિર્દોષ બાળકનો ભોગ લેવાયો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક મહિનાથી દીકરીથી અલગ રહેતા જમાઈને એક કરવાના ઈરાદે મહેમાનગતિએ ગયેલા વેવાઈ-વેવાણને મળવા 3 લોકો સાથે પિયર પક્ષે પિતા દોડી ગયા હતા. જોકે, વેવાઈએ તેમના ઘરે આવીને વાત કરવા કહેતા વાત વણસી હતી. રોષે ભરાયેલા વેવાઈએ બાઈક પર જતાં વેવાઈ-વેવાણનો પીછો કર્યો હતો.
ઓવરટેક કરીને બાઈક ઊભું રાખી પથ્થર માર્યો હતો જોકે, નાનાએ ફેંકેલો મોટો પથ્થર બાઈક પર પાછળ બેઠેલા માસૂમને માથામાં વાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.
મોટા દડવા ગામના ભનાભાઈ સોલંકીના પુત્ર અજયના લગ્ન 3 વર્ષ પહેલાં બાબરાના અરવિંદ માતાસૂરિયાની પુત્રી ક્રિષ્ના સાથે થયા હતા. દંપતી વચ્ચેના અણબનાવને કારણે અજય છેલ્લા 1 મહિનાથી પત્નીથી અલગ થઈને મોટા દડવા ખાતે પિતા સાથે રહેતો હતો.