હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. 31 મેની મધરાતે 12 વાગ્યા બાદ મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારે પવન, તીવ્ર વાવાઝોડું અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આ પ્રી-મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા મોટી રાહત મળી છે, પરંતુ તોફાની પવનના કારણે અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જતાં અંધારપટ છવાયો હતો.
સવારે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદને કારણે રોડ પર પાણી વહેતાં થયા હતાં. ઘણા સમયથી થતી અસહ્ય ગરમી અને અકળામણથી લોકોને રાહત મળી છે. આ ઉપરાંત જૂનાગઢના દાતાર પર્વત ઉપર વરસાદી માહોલમાં પ્રવાસીઓએ આનંદ માણતા જોવા મળ્યાં હતાં.
આગામી ત્રણ કલાક ભારે પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાત્રે આગામી ત્રણ કલાક એટલે કે 10 વાગ્યા સુધી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રતિકલાક 40 કિલોમીટરથી ઓછી ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે જ હળવો વરસાદ અને સામાન્ય ગાજવીજ થવાની સંભાવના સેવાઈ રહી છે. હવામાન વિભાગે ખાસ કરીને સુરેન્દ્રનગર, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારો માટે ‘યેલો એલર્ટ’ જાહેર કરી છે.