પશ્ચિમ રેલવેએ વેરાવળ-રાજકોટ અને રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનોમાં બે વધારાના જનરલ કોચ જોડવાનો નિર્ણય કર્યો છે. મુસાફરોની વધતી સંખ્યા અને ભીડને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે, જેનાથી દૈનિક યાત્રીઓને રાહત મળશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 59421 રાજકોટ-વેરાવળ લોકલમાં 2 જૂન, 2026 થી 1 ઓગસ્ટ, 2026 સુધી બે વધારાના જનરલ કોચ જોડાશે. ટ્રેન નંબર 59422 વેરાવળ-રાજકોટ લોકલમાં 3 જૂન, 2026 થી 2 ઓગસ્ટ, 2026 સુધી આ સુવિધા ઉપલબ્ધ રહેશે.
વેરાવળ, જૂનાગઢ, કેશોદ અને જેતલસર જેવા સ્ટેશનો વચ્ચે દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને નોકરીયાત વર્ગ આ ટ્રેનોનો વ્યાપક ઉપયોગ કરે છે. ઉનાળાની રજાઓ, તહેવારો અને પ્રવાસન સીઝન દરમિયાન મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાથી ટ્રેનોમાં ભીડ જોવા મળતી હતી.