જસદણના ગોખલાણા ગામ નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો.મોડી સાંજે અહીંથી પસાર થતી કાર અને બોલેરો વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે આશાસ્પદ યુવક કે જેઓ સંબંધમાં પિતરાઇ થાય છે તેમના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણને ગંભીર ઈજા પહોંચતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઇજાગ્રસ્તોને આટકોટની પારેવાડિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. બોલેરોના મુસાફરો બાબરા તાલુકાના સુખપરથી જસદણ તરફ આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
જસદણ તાલુકાના ગોખલાણા ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહેલી કાર અને બોલેરો જીપના ચાલકોની અંધારાના લીધે આંખ અંજાઇ જતાં બન્ને વાહન સિંગલ પટ્ટી રોડ પર સામસામે આવી ગયા હતા અને કોઇ એક વાહન સાઇડમાં લે તે પહેલાં તો બન્ને વાહન મોરેમોરો અથડાઇ પડ્યા હતા અને કારના ચાલક અને પાસે બેઠેલા પિતરાઇના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
મૃતકોની ઓળખ ઘનશ્યામ મઘાભાઈ બેરાણી (ઉ.વ. 25 )અને રાજેશ ભાયાભાઈ બેરાણી (ઉ.વ.28)તરીકે થઈ હતી. આ બંને સગા પિતરાઈ ભાઇ થતા હોઇ અને કંધોતરની અણધારી વિદાયથી પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગેરેજ સંચાલક રાજેશની બે દીકરીએ પિતાનું છત્ર ખોયું મૃતકો પૈકી રાજેશ પરિણીત હોવાનું અને તેને બે દીકરી હોવાનું સામે આવ્યું છે.
રાજેશ ગેરેજનો વ્યવસાય કરતો હતો અને કામ પતાવીને ઘરે ગોખલાણા આવી રહ્યા હતા ત્યારે આ કરુણ ઘટના બની હતી જ્યારે ઘનશ્યામ અપરિણીત હોવાનું ખુલ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણને આટકોટની પારેવાડિયા હોસ્પિટલે ખસેડાયા હતા.