ગુજરાતમાં લોકોને હજી ગરમીમાં રાહત મળવાના કોઈ અણસાર નથી. હવામાન વિભાગે આગામી સાત દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી કરી છે. આજે 42.2 ડિગ્રી સાથે રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું. આ સિવાય અન્ય 6 શહેરોમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીનો પહોંચતા લોકો અકળાયા હતા.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માના જણાવ્યાં મુજબ, રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે. સાથે જ તાપમાનમાં પણ ખાસ ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે અને હાલની સ્થિતિ યથાવત્ રહેશે. ગરમીના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Southwest Monsoon) ઝડપથી આગળ વધી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 23 મે 2026ના રોજ દક્ષિણ-પશ્ચિમ અરબી સમૂદ્રના કેટલાક ભાગો, દક્ષિણ-પૂર્વ અરબી સમૂદ્ર, કોમોરિન વિસ્તાર, બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ-મધ્ય ભાગો તેમજ આંદામાન સમુદ્રના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધી ચૂક્યું છે. આગામી 3થી 4 દિવસમાં ચોમાસું વધુ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.