રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિવિધ કંપનીની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને અંબાણી પરિવારની લાડકવાયી દીકરી ઈશા અંબાણી બિઝનેસની સાથે સાથે ફેશનની પણ ખૂબ સારી સમજ ધરાવે છે. બુધવારે ભારતીય ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પેરિસ હોટ ક્યુટોર વીકમાં ડેબ્યૂ કર્યું હતું. ડિઝાઈનરના કરિયર અને ભારતીય ફેશન માટેના આ એક માઇલસ્ટોન ઇવેન્ટમાં તેમને સપોર્ટ કરવા ઇશા અંબાણી પણ પહોંચી હતી. આ દરમિયાન ઈશાએ ગોલ્ડન ડ્રેસ અને માતા નીતા અંબાણીના અમૂલ્ય દાગીના પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
પેરિસ હોટ ક્યુટોર વીક 2026માં ઈશાએ મનીષ મલ્હોત્રાએ જાતે કસ્ટમ ડિઝાઈન કરેલો હેન્ડમેડ ગોલ્ડ ક્યુટોર ગાઉન પહેર્યો હતો. પગની ઘૂંટી સુધીની લંબાઈ ધરાવતા આ ડ્રેસમાં આકર્ષક કોર્સેટ સિલુએટ સાથે વિન્ટેજ સલ્લી અને તાબન સિક્વિન્સ તેમજ હાથથી જડેલા રત્નોનું ઝિણવટભર્યું ભરતકામ કરવામાં આવ્યું છે. તેની હૉલ્ટર નેકલાઇન અને બોડી-સ્કલ્પ્ટિંગ સિલુએટ આ હેન્ડ-એમ્બ્રોઇડરી પીસની સુંદરતામાં વધારો કરે છે. આ ડ્રેસની કિંમત અંદાજે ₹40થી ₹80 લાખની વચ્ચે હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ઈશાના લુકમાં આ ડ્રેસ જ મુખ્ય હાઇલાઇટ રહે તે માટે, એન્ડ્રુ મુકામલે તેને ખૂબ જ સ્માર્ટલી સ્ટાઈલ કર્યો હતો. તેમણે આ ક્યુટોર પીસ ઝાંખો ન પડે તે રીતે એટલી જ ભવ્ય અને લક્ઝુરિયસ જ્વેલરી તથા એક્સેસરીઝની પસંદગી કરી હતી. ઈશાએ ગોલ્ડ એમ્બેલિશ્ડ ફેરાગામો હિલ્સ પહેરી હતી. સાથે જ તેણે માતા નીતા અંબાણીના પર્સનલ પ્રાઇવેટ કલેક્શન તથા લોરેન શ્વાર્ટ્ઝની હેરિટેજ જ્વેલરી કેરી કરી હતી, જેમાં મોટા ડાયમંડ ડ્રોપ ઇયરિંગ્સ અને એક આકર્ષક રિંગ સામેલ હતી. આ જ્વેલરીની કિંમત ₹3 કરોડથી ₹5 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે.