બીજા નોરતાની રાત્રે રાજ્યભરમાં ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી. તો અમદાવાદમાં સાંચી નવરાત્રિ (જીગરદાન ગઢવી)ના ગરબાને પોલીસની મંજૂરી ન મળતા પૈસા લઈ ગરબા રમવા આવેલા ખેલૈયાઓ રોષે ભરાયા. સિક્યુરિટીને ધક્કે ચડાવી ખેલૈયાઓ ડોમમાં ઘૂસ્યા અને તોડફોડ કરી. હોબાળો થતા આયોજકોએ રિફંડની જાહેરાત કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો.
વડોદરામાં કૈરવી બુચે ખેલૈયાઓને ડોલાવ્યા તો યુનાઈટેડ વે ઓફ બરોડાનું ગરબા ગ્રાઉન્ડ હાઉસફૂલ જોવા મળ્યું. સુરતમાં સોસાયટીઓથી લઈ પાર્ટી પ્લોટ સુધી યુવાધન હિલોળે ચડ્યું. રાજકોટમાં ક્ષત્રિય યુવતી અને મહિલાઓએ ખુલ્લી જીપ અને મોટર સાયકલ પર તલવાર સાથે રાસ રજૂ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા.
જીગરાના ગરબામાં તોડફોડ, રિફંડના નારા લાગ્યા
અમદાવાદની સાંચી નવરાત્રિ (જીગરદાન ગઢવી)ના પ્રથમ દિવસે તો મંજૂરી વગર ગરબા થયા પરંતુ, બીજા દિવસે ફાયરની NOC બાદ પણ પોલીસની મંજૂરી ન મળતા ગરબા શરૂ ન થયા. ખેલૈયાઓ પાસ લઈ ગરબા રમવા પહોંચ્યા હતા પરંતુ, સિક્યુરિટી પ્રવેશ ન આપતા ઘર્ષણ થયું. રોષે ભરાયેલા ખેલૈયાઓએ ડોમમાં ઘૂસી તોડફોડ કરી.