બાંગ્લાદેશમાં IHF ટ્રોફીમાં ભારત બન્યું ચેમ્પિયન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવ અને આનંદની વધુ એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. યુનિવર્સિટી સંલગ્ન લીંબડીની સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સેમેસ્ટર-3માં અભ્યાસ કરતા પ્રતિભાશાળી હેન્ડબોલ ખેલાડી ભાવેશ તાવિયાએ હેન્ડબોલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ જીતતા સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ વિશ્વસ્તરે ગૌરવપૂર્ણ બનાવ્યું છે.

ભાવેશ તાવિયા સૌરાષ્ટ્રનો પહેલો હેન્ડબોલ ખેલાડી હશે: ડૉ. હરીશ રાબા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું કે, હાલમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઘણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ યુનિવર્સિટીનું નામ રોશન કરી રહ્યા છે, જેમાંનો એક ખેલાડી ભાવેશ તાવિયા જે લીંબડીની સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો વિદ્યાર્થી છે. IHF ટ્રોફી એટલે કે ઈન્ટરનેશનલ હેન્ડબોલ ફેડરેશન ટ્રોફી એશિયા ઝોન-2 જુનિયર ભાઈઓની સ્પર્ધા બાંગ્લાદેશ મુકામે યોજાઈ હતી. આ હેન્ડબોલ ભાઈઓની સ્પર્ધામાં ભાવેશ તાવિયાએ ગુજરાતનો એકમાત્ર ખેલાડી સિલેક્ટ થઈ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સ્પર્ધામાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો અને સૌરાષ્ટ્રનો પહેલો હેન્ડબોલ ખેલાડી હશે.

રાજ્યમાંથી માત્ર એક ખેલાડી તરીકે ભાવેશ તાવિયાની પસંદગી ભારતીય જુનિયર મેન્સ હેન્ડબોલ ટીમમાં કરવામાં આવી હતી. સ્પર્ધા પૂર્વે ઉત્તરાખંડ ખાતે યોજાયેલા 10 દિવસીય રાષ્ટ્રીય કોચિંગ કેમ્પમાં તેણે ઉત્કૃષ્ટ દેખાવ કરીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ત્યારબાદ 10થી 14 જૂન, 2026 દરમિયાન ઢાકા (બાંગ્લાદેશ) ખાતે યોજાયેલી IHF ટ્રોફીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડી ભાવેશ તાવિયાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *