રાજકોટ જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી પત્રો ભરાઈ જતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પ્રદેશ નેતાગીરીના આદેશથી રાજકોટમાં વિજયાબેન દાફડા અને વર્ષાબેન ખુંટ, કોટડાસાંગાણી, લોધીકા, જેતપુર અને જામકંડોરણા જેવી તમામ તાલુકા પંચાયતોમાં પક્ષના સત્તાવાર દાવેદારોએ ફોર્મ સબમિટ કર્યા છે. માત્ર સિંગલ ફોર્મ જ ભરાયા હોવાથી આ તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. જેમની સત્તાવાર વરણી આવતીકાલે મળનારી પ્રથમ જનરલ બોર્ડની બેઠકમાં કરવામાં આવશે. તો કારોબારી ચેરમેન સહિતના અન્ય મહત્વના નામોની જાહેરાત પણ આવતીકાલે જ કરાશે.
તમામ 11 તાલુકા પંચાયતોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં નવા સુકાનીની વરણી માટેની રાજકીય પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને સત્તા કબજે કરી છે. જિલ્લા પંચાયત, તમામ 11 તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓમાં ભાજપને સ્પષ્ટ બહુમતી છે. ત્યારે આ પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે તમામ તાલુકા મથકો પર ફોર્મ ભરવાની કામગીરી ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી.
આ પ્રક્રિયા અંતર્ગત પ્રદેશ નેતાગીરી દ્વારા શિસ્તબદ્ધ રીતે તમામ 11 તાલુકા પંચાયતો માટે પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. હાઈકમાન્ડ દ્વારા લીલીઝંડી મળતા જ નિયુક્ત કરાયેલા ઉમેદવારોને ફોર્મ ભરવા માટેના જરૂરી મેસેજ મોકલી દેવામાં આવ્યા હતા. પક્ષના આદેશને પગલે તમામ સંભવિત હોદ્દેદારોએ સ્થાનિક અગ્રણીઓ અને સમર્થકોની વિશાળ હાજરીમાં પોતપોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. આવતીકાલે વિધિસરની ચૂંટણી યોજાય તે પૂર્વેની આ પ્રક્રિયાથી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
રાજકોટ તાલુકા પંચાયતની વાત કરીએ તો, અહીં પ્રમુખ પદ માટે વિજયાબેન દાફડા તથા ઉપપ્રમુખ પદ માટે વર્ષાબેન ખુંટ દ્વારા વિધિવત રીતે ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ મહત્વપૂર્ણ પ્રસંગે તાલુકાના સિનિયર અગ્રણીઓ ઢોલરીયા, ચેતન પાણ સહિતના પક્ષના અનેક મોવડીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવતીકાલે નવી ચૂંટાયેલી પાંખનું પ્રથમ જનરલ બોર્ડ મળનાર છે. જેમાં આ હોદ્દેદારોની વરણી પર સત્તાવાર મહોર મારવામાં આવશે. અહીં માત્ર 2 જ ફોર્મ ભરાયા હોવાના કારણે તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવું ચિત્ર અત્યારથી જ સ્પષ્ટ થઈ ગયું છે.